Thursday, May 26, 2022 Today’s Paper

કર્ણાટકમાં 15 સરકારી અધિકારીઓના ઠેકાણાઓ પર એસબીએ પાડ્યા દરોડા, કરોડોની બેનામી સંપત્તિ મળી આવી

25 Nov, 21 66 Views

આવક કરતા વધારે સંપત્તિ મામલે એસીબીના 503 અધિકારીઓએ રાજ્યના અલગ-અલગ 68 સ્થળોએ દરોડા પાડયા હતા

બેંગલુરૂઃ સામાન્ય રીતે તમે પાઈપ લાઈનમાંથી પાણી નીકળતા જોયુ હશે. પણ જરા વિચારો કે પાઈપ લાઈનમાંથી પાણીના બદલે પૈસા નીકળવા લાગે તો, કેવો નજારો હોય? સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાઈપમાંથી પૈસા નીકળી રહ્યા છે. એક તકે આ વાત પર તમને વિશ્વાસ ન આવે, પરંતુ આ વાત સાચી છે.

કર્ણાટકમાં આવકથી વધારે સંપત્તિના મામલામાં કર્ણાટક સરકારના 15 અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા  કુલ 503 અધિકારીઓએ રાજ્યના  અલગ-અલગ 68 સ્થળોએ દરોડા પાડયા હતા. આ અધિકારીઓને ત્યાં પડેલા દરોડામાં મોટાપાયા પર સોનુ, રોકડ અને સંપત્તિના કાગળો જપ્ત કરવામાં આવ્યા છે.

આ દરોડામાં પકડવામાં આવેલી સંપત્તિ એટલી છે કે દરોડા પાડનારા અધિકારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે કૃષિ વિભાગના સંયુક્ત નિર્દેશક ટીએસ રુદ્રેશપ્પાના ઘરેથી લગભગ સાત કિલોગ્રામ સોનુ મળ્યું. તેના ઘરેથી કમસેકમ 3.5 કરોડ રૂપિયાના સોનાના ઘરેણા મળ્યા. આ ઉપરાંત તેના ઘરેથી 15 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા હતા. આ સિવાય ગોકકના વરિષ્ઠ મોટર નિરીક્ષક સદાશિવ મારલિંગન્નાવરના ઘરેથી 1.13 કિલોગ્રામ સોનુ અને 8,22,172 રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

કલબુર્ગીમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ લોકનિર્માણ વિભાગના એન્જિનીયરને ત્યાં દરોડા પાડયા હતા. તેના ઘરની પાઇપલાઇનમાંથી 500 રૂપિયાની નોટો મોટાપાયા પર મળી આવી હતી. પાઇપલાઇનમાંથી કાઢવામાં આવેલી રોકડ 13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એન્જિનીયરના ઘરેથી 40 લાખ રૂપિયા રોકડા પકડવામાં આવ્યા છે. એસીબીની ટીમે પાઇપલાઇનમાંથી રોકડા રૂપિયા કાઢતો વિડીયો પણ બનાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપી સરકારી અધિકારીઓ પર રાજ્યવ્યાપી કાર્યવાહીના પગલે કલબુર્ગી જિલ્લામાં પીડબલ્યુડીના એન્જિનીયરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરના પાઇપલાઇનમાં રોકડા છૂપાયાયા હતા. પાઇપલાઇનમાંથી રકમ કાઢવા પ્લમ્બરને બોલાવવો પડયો હતો.

 

ક્યાં અધિકારીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં

01) કે એસ લિંગગોવડા, મેંગલુરુ સ્માર્ટ સિટી લિમિટેડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર 
02) લક્ષ્મીનરશિમૈયા, ડોડડબલ્લાપુર ખાતે મહેસૂલ નિરીક્ષક
03) શ્રીનિવાસ કે, હેમાવતી લેફ્ટ બેંક કેનાલ (એચએલબીસી) એક્ઝિક્યુટિવ એન્જિનિયર
04) વાસુદેવ, નિર્મિતિ કેન્દ્રના ભૂતપૂર્વ પ્રોજેક્ટ મેનેજર મંડ્યા
05) બી કૃષ્ણરેડ્ડી, કર્ણાટક મિલ્ક ફેડરેશન (કેએમએફ) ના નંદિની મિલ્ક પ્રોડક્ટ્સના જનરલ મેનેજર
06) એ કે મસ્તી, સાવદત્તી નગર ખાતે સહકારી વિકાસ અધિકારી
07) સદાશિવ મારલિંગન્નાવર, ગોકાક ખાતે વરિષ્ઠ મોટર નિરીક્ષક
08) નાથાજી હીરાજી પાટીલ, હુબલી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (હેસકોમ) ના ગ્રુપના કર્મચારી
09) કે એસ શિવાનંદ, નિવૃત્ત સબ-રજિસ્ટ્રાર
10) રાજશેકર, યેલાહંકા સરકારી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ
11) મયન્ના એમ, ફર્સ્ટ ડિવિઝન ક્લાર્ક, બ્રુહદ બેંગલુરુ મહાનગરા પાલિકા (બીબીએમપી)માં મુખ્ય રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર 
12) એલ સી નાગરાજ, સાકાલા સેવાઓના કેએએસ અધિકારી
13) જી વી ગીરી, યશવંતપુરા બીબીએમપી ના ગ્રુપ ડી કર્મચારી
14) એસએમ બિરાદર, પીડબલ્યુડી વિભાગ જુનિયર એન્જિનિયર, જેવર્ગી
15) અન્ય એક અધિકારી

Trending Tags:

advertisment image