Thursday, Aug 11, 2022 Today’s Paper

Congress protest: મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધીની અટકાયત

05 Aug, 22 43 Views

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે

Congress protest: દેશમાં વધી રહેલી મોંઘવારી (inflation) સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બની છે. ત્યારે આ જ મોંઘવારી અને બેરોજગારી (unemployment) સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે 5 ઓગસ્ટ, શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન (Congress protest Nationwide) કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. આ દરમિયાન દિલ્હીના રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ની પણ અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા દ્વારા દેશભરમાં આક્રમકતા સાથે દેશવ્યાપી દેખાવો ચાલી રહ્યા છે.

મોંઘવારીના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં પહોંચેલા રાહુલ ગાંધી ડાબા હાથમાં કાળી પટ્ટી પહેરીને જોવા મળ્યા હતા. કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રાહુલે કહ્યું કે, 'મોંઘવારી, બેરોજગારી અને સમાજમાં લોકોનું વિભાજન કરવામાં આવી રહ્યું છે, આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને બોલવા દેવામાં આવતા નથી. આ સાથે તેઓ કાળા કપડા પહેરીને સંસદ પણ ગયા હતા બાદમાં તેની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કાળા કપડા પહેરીને પાર્ટીના પ્રદર્શનમાં પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. આ અંગે સરકારે કંઈક કરવું જોઈએ. એટલા માટે અમે આ લડાઈ લડી રહ્યા છીએ. પ્રિયંકા ગાંધી તેમના કાર્યકર્તાઓ સાથે પીએમ હાઉસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. રાહુલ ગાંધી બાદ હવે પોલીસે પ્રિયંકા ગાંધીને પણ કસ્ટડીમાં લીધા છે. અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધી રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા, પરંતુ પોલીસે તેને બળજબરીથી પકડીને કસ્ટડીમાં લઈ લીધા હતા.

બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કાળા કલરનું કુર્તુ પહેરીને માથે કાળી પાઘડી બાંધીને સંસદ ભવન પહોંચ્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ કોંગ્રેસ સાંસદની અટકાયત કરવામાં આવી છે.

પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પાર્ટી દ્વારા દેશવ્યાપી પ્રદર્શનમાં સામેલ છે.  કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અને બંને ગૃહોના સાંસદો મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા હતા. આ દેશવ્યાપી પ્રદર્શનમાં પાર્ટી મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરી રહી છે.

મોંઘવારી મુદ્દે રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'જનતાના અવાજને દબાવવા માટે મોંઘવારી વધી રહી છે અને ખાદ્યપદાર્થો પર જીએસટી લાદવાથી સરકાર પર ઉભા થયેલા પ્રશ્નોનો અંત આવશે નહીં. ઘટતી જતી અર્થવ્યવસ્થા અને સતત વધી રહેલી બેરોજગારીને દૂર કરવા સરકાર શું કરી રહી છે? આ સવાલ આપણે સરકારને પણ પૂછવો જોઈએ. તમે જનતાને આપેલા વચનોને ભૂલી શકો છો, પરંતુ જનતાને નહીં. લોકોના અવાજને ન દબાવી શકાય અને ન તો અવગણી શકાય, કારણ કે લોકોથી સરકાર હોય છે, સરકારથી લોકો નહીં.'

advertisment image