જામનગરના 72 વર્ષિય વૃદ્ધ પોઝિટિવ, સંપર્કમાં આવેલા 84ને ટ્રેસ કરાયા, 10ના રીપોર્ટ નેગેટીવ
અમદાવાદ: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઝડપી સંક્રમણ ફેલાવી રહ્યું છે. માત્ર બે અઠવાડિયામાં જ નવો વેરિઅન્ટ દુનિયાના 28થી દેશમાં પહોંચી ચુક્યો છે. ભારતમાં પણ નવા વેરિઅન્ટના કેસ ધીમ-ધીમે વધી રહ્યાં છે. હાલ ભારતમાં ગુજરાત, મુંબઇ અને કર્નાટકમાં મળી કુલ ચાર કેસ નોંધાયા છે.
ઓમિક્રોન વેરિઅન્ટના કર્ણાટકમાં બે કેસ નોંધાયા પછી શનિવારે વધુ બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના એક-એક કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ચાર કેસ થઈ ગયા છે. ઝીમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધ દર્દીનો રીપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવતાં સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રીને સત્તાવાર સ્વીકૃતિ મળી છે.
એ જ રીતે મહારાષ્ટ્રમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઇ અને દિલ્હી માર્ગે મુંબઇ આવેલો 33 વર્ષીય યુવાન ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થતાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો પહેલો અને દેશમાં ચોથો કેસ નોંધાયો છે. બીજી બાજુ છ રાજ્યોમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધતા કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંબંધિત નિયમોનો કડકાઈથી અમલ કરવા નિર્દેશ આપ્યા છે.
આફ્રિકન દેશ ઝીમ્બાબ્વેમાંથી 28મી નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેમના નમૂના લેવાયા હતા. જિનોમ સિક્વન્સિંગ માટે એક નમૂનો પૂનાની લેબોરેટરીમાં જ્યારે બીજો નમૂનો ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયો હતો. ગાંધીનગરની લેબોરેટરીમાંથી વૃદ્ધ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવતા આખા રાજ્યમાં તંત્ર દોડતું થઈ ગયું હતું. ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધને જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
Trending Tags: