658 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે જ્યારે 8495 મકાનોને આંશિક રીતે નુકસાન થયું છે
નવી દિલ્હી : કર્ણાટકમાં ભારે વરસાદને કારણે જાનમાલનું ગંભીર નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 658 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સિવાય પાંચ લાખ હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા 191 પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આપવામાં આવી છે.
કર્ણાટકમાં વરસાદના વિનાશના આંકડા
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, "કર્ણાટકમાં ભારે વરસાદને કારણે કુલ 24 લોકોના મોત થયા છે. પાંચ લાખ હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે. 658 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે જ્યારે 8495 મકાનોને આંશિક રીતે નુકસાન થયું છે. 191 પશુઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.
આ સિવાય કર્ણાટક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ પણ કહ્યું કે આ મહિનાની શરૂઆતથી રાજ્યભરમાં સતત વરસાદને કારણે કુલ 24 લોકોના મોત થયા છે. ઓથોરિટીના અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં 658 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે અને 8,495 મકાનોને આંશિક નુકસાન થયું છે.
રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલોને પણ નુકસાન
ઓથોરિટીના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં એ પણ ખુલાસો થયો છે કે 2203 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે. આ ઉપરાંત 1,225 શાળાઓ, 39 પીએચસી, 1,674 ઇલેક્ટ્રિક પોલ અને 278 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું હતું. સત્તાવાર માહિતી અનુસાર, 1 નવેમ્બરથી 27 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે, જ્યારે 21 જિલ્લાઓમાં સામાન્ય કરતાં 200 ટકાથી વધુ વરસાદ થયો છે.
Trending Tags: