Wednesday, Aug 17, 2022 Today’s Paper

મોદી સરકારે એક પણ વચન પુરૂ કર્યું નથી, ખેડૂતો આજે ‘વિશ્વાસઘાત દિવસ’ ઉજવશે: રાકેશ ટિકૈત

31 Jan, 22 65 Views

સરકારના એક પત્રના આધાર પર આંદોલન સ્થગિત કર્યું હતુ અને દિલ્હીની સરહદો ખાલી કરી દીધી

નોઈડા: કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા, ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ખેડૂતોને આપેલા વચનો પૂરા ન કરતા સોમવાર કૃષિ મુદ્દાઓ પર દેશભરમાં ‘વિશ્વાસઘાત દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.

કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ રવિવારે દાવો કર્યો હતો કે 9 ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોના પત્રના આધારે દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ચાલતો વિરોધ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ વચનો અધૂરા રહી ગયા.

સરકાર દ્વારા ખેડૂતો સાથે વચન તોડવા વિરોધમાં 31 જાન્યુઆરીએ દેશવ્યાપી વિશ્વાસઘાત દિવસ મનાવવામાં આવશે. સરકારે નવ ડિસેમ્બરે જે પત્રના આધાર પર આંદોલન સ્થગિત કર્યું હતુ, સરકારે તેમાંથી એકપણ વચન પૂર્ણ કર્યું નથી. એમ રાકેશ ટિકૈતે પોતાની એક ટ્વિટમાં કહ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગણી સાથે નવેમ્બર 2020માં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ દિલ્હીની સરહદો પર વિરોધ શરૂ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી ખેડૂતોએ ડિસેમ્બરમાં દિલ્હીની સરહદો ખાલી કરી દીધી હતી. સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય માટે પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટેની કાયદેસર ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પર વિરોધ કર્યો હતો. 

advertisment image