Wednesday, Sep 27, 2023 Today’s Paper

Wrestlers Protest: કુસ્તીબાજ સાક્ષી મલિકે સરકારને આપ્યું અલ્ટીમેટમ, જાણો એશિયન ગેમ્સ અંગે શું કહ્યું

10 Jun, 23 64 Views

અગાઉ કુસ્તીબાજોના સમર્થનમાં યુપીના મુઝફ્ફરનગર અને હરિયાણાના કુરુક્ષેત્રમાં ખાપ મહાપંચાયતો યોજાઈ હતી

Wrestlers Protest: કુસ્તીબાજો (Wrestlers) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Wrestling Federation of India - WFI) ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh)ની જાતીય સતામણીના આરોપમાં ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને દિલ્હીમાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પછી સરકાર સાથેની વાતચીત બાદ 15 જૂન સુધી પ્રદર્શન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન કુસ્તીબાજોના સમર્થનમાં 10 જૂન, શનિવારે હરિયાણા (Haryana)ના સોનીપતમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) કહ્યું કે, 'આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે ત્યારે જ અમે એશિયન ગેમ્સ (Asian Games) રમીશું.' સાક્ષી માલિકે સરકારને અલ્ટીમેટમ (Ultimatum) આપ્યું છે.

સાક્ષી મલિકે કહ્યું, "બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ થવી જોઈએ. જો તે બહાર રહેશે તો ભયનું વાતાવરણ રહેશે. પહેલા ધરપકડ કરો, પછી તપાસ કરો. અમને સમર્થન મળી રહ્યું છે. અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ. કેટલાક ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે." આ સાથે જ મહાપંચાયતમાં નિર્ણય લેવાયો હતો કે જો સરકાર 15 જૂન સુધીમાં કોઈ નિર્ણય નહીં લે તો આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે. 

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આ મહાપંચાયત શરૂ થતા પહેલા કહ્યું કે, 'સરકાર સાથે અમારી જે વાતચીત થશે તે અમે અમારી વચ્ચે રાખીશું. અમે આ વાતચીતને તેમની સામે રાખીશું જે અમારા સમર્થનમાં ઉભા છે, પછી તે કોઈપણ સંગઠન હોય કે ખાપ પંચાયત. ખાપ પંચાયતો સાથે ચર્ચા કર્યા બાદ જ ખેલાડીઓ આગળની રણનીતિ નક્કી કરશે. નોંધનીય છે કે, અગાઉ કુસ્તીબાજોના સમર્થનમાં યુપીના મુઝફ્ફરનગર અને હરિયાણાના કુરુક્ષેત્રમાં ખાપ મહાપંચાયતો યોજાઈ હતી.'

નોંધનીય છે કે, કુસ્તીબાજોએ 7મી જૂને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે પણ બેઠક કરી હતી. આ બેઠક પછી કુસ્તીબાજોએ કહ્યું હતું કે, 'દિલ્હી પોલીસને આ મામલે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે આંદોલન 15મી જુલાઈ સુધી મુલતવી રાખ્યું છે.' આ સાથે જ દિલ્હી પોલીસ ખેલાડીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પાછી ખેંચી લેશે તેમ જણાવવામાં આવ્યું હતું.