Saturday, Jan 29, 2022 Today’s Paper

દુનિયાના 27 દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી, અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી હાહાકાર

02 Dec, 21 43 Views

દ. આફ્રિકામાં નવા 1100 કેસમાંથી 90 ટકા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓ, 18મીએ પહેલો કેસ નોંધાયો હતો

બોટસ્વાનાઃ કોરોનાનો નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દુનિયામાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હજુ બે અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં પહેલો કેસ સામે આવ્યા બાદ હવે તે વિશ્વના 27 દેશોમાં પહોંચી ગયો છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, આ વેરિઅન્ટ અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગયું છે.

આ અત્યંત ચેપી વેરિએન્ટ પ્રવાસીઓ દ્વારા દેશોમાં પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાથી અમેરિકા પરત ફરેલી વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હતી. અમેરિકાનો આ પહેલો કેસ છે. ઈઝરાયેલમાં પણ ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ચેપગ્રસ્ત વ્યક્તિ માલાવી રોડથી બસમાં બેસીને તેલ અવીવ પહોંચ્યો હતો. ઈટાલીમાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે.

નવા કેસો સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ નોંધાયા છે. સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે ઉત્તર આફ્રિકન દેશમાંથી આવેલાં એક નાગરિક કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. સાઉદી સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચેપ ધરાવનાર વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલાં નજીકના સગાંઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અખાતના આરબ દેશોમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે.

દક્ષિણ આફ્રિકામાં નવા 1100 કેસમાંથી 90 ટકા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓ છે. ત્યાં 8561 કેસ નોંધાયા છે. આ સિવાય બોત્સ્વાનામાં 19, નેધરલેન્ડ, પોર્ટુગલ અને ફ્રાન્સમાં 13-13, ઓસ્ટ્રેલિયામાં છ, યુકે અને કેનેડામાં પાંચ-પાંચ, હોંગકોંગમાં ચાર, સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રણ, જર્મની, નોર્વે, બ્રાઝિલ અને ડેનમાર્કમાં બે-બે ઓમિક્રોન વેરિઅન્ટના કેસો મળી આવ્યા છે. આ સિવાય બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, સ્પેન, સ્વીડન, જાપાન, સાઉદી અરેબિયા અને યુએઈમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટર એડ્રિયન પ્યોરને જણાવ્યું હતું કે સવાલ એ છે કે શું આ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ઘાતક વેરિઅન્ટ છે. અત્યાર સુધીમાં અમને જણાયું છે કે ચેપ પ્રસારણના મામલે આ કદાચ સ્પેશ્યલ વેરિઅન્ટ છે.  જો આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં વધારે ઝડપથી ફેલાશે તો તેના કારણે દર્દીઓની સંખ્યા વધવાને કારણે હોસ્પિટલો પર પણ ભારણ વધશે.

આ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે અને વર્તમાન કોરોના રસીઓ તેના પર કેટલી અસરકારક છે તેનો અંદાજ વિજ્ઞાાનીઓ એક મહિનામાં મેળવી લેશે. દક્ષિણ આફ્રિકાના ચેપી રોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો ચેપ ધરાવતાં દર્દીઓમાં સૂકી ખાંસી, તાવ અને રાત્રે પરસેવો વળવા જેવા હળવા લક્ષણો વરતાય છે.

નવા વેરિઅન્ટ મામલે સૌ પ્રથમ સંદેહ વ્યક્ત કરનારી ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે 18 નવેમ્બરે પહેલીવાર મારા ક્લિનિક પર સાત એવા દર્દીઓ જોવા મળ્યા હતા જે ડેલ્ટા કરતાં અલગ સ્ટ્રેઇનથી ગ્રસિત લાગતા હતા.  વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન સમગ્ર દુનિયામાં ફેલાઇ શકે છે તેવી ચેતવણી આપી છે. 

advertisment image