યુરોપના સૌથી મોટા સ્ટાર્ટઅપ કોન્ફરન્સ વિવાટેક 2020માં ભારતને કન્ટ્રી ઓફ ધ યરના રૂપે માન્યતા આપવામાં આવી, ફ્રાંસમાં ભારતીય એમ્બેસેડરે જાણકારી આપી
ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને રૂપે કાર્ડનો ટૂંક સમયમાં ફ્રાંસમાં સ્વીકાર કરવામાં આવશે. યુરોપના સૌથી મોટા સ્ટાર્ટઅપ કોન્ફરન્સ વિવાટેક 2020માં ભારતને કન્ટ્રી ઓફ ધ યરના રૂપે માન્યતા આપવામાં આવી જ્યાં ભારતીય એમ્બેસેડરે કહ્યું હતું કે ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને રૂપે કાર્ડનો ટૂંક સમયમાં ફ્રાંસમાં સ્વીકાર કરવામાં આવશે.
ફ્રાંસમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે કહ્યું હતું કે, ભારતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), ઇન્ટરનેશનલ અને ફ્રાંસના લાયરા નેટવર્ક ઓફ ફ્રાંસ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કર્યા છે.
તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે અમે યુરોપમાં પણ આવું કરી શકીશું, અમે UPI અને રૂપે કાર્ડ ફ્રાંસમાં શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સેન્ટ્રલ બેન્કના નિયામક સાથે તેમ જ ફ્રાંસની કંપનીઓ સાથે વિચારવિમર્શ કરી રહ્યા છીએ. ફ્રાંસમાં ડિજિટલ પેમેન્ટ બહુ ઓછું થાય છે.
તેમણે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, તેઓ એક વાર એક ડોક્ટર પાસે ગયા હતા, પણ તેમની પાસે ડોક્ટરની ફીની ચુકવણી રોકડ કે ચેક નહોતા. જેથી તેમણે ATM જઈને કેશ ઉપાડીને ડોક્ટરને ચુકવણી કરવી પડી હતી, પણ જો UPI ફ્રાંસમાં હોત તો એનાથી ફ્રાંસમાં લોકોને લાભ થાય. જો અમે UPIના લાભાલાભ ફ્રાંસના લોકોને જણાવીશું તો તેઓ એનો સ્વીકાર કરશે.નિયામક, બેન્ક અને કંપનીઓ એનો સ્વીકાર કરશે.