વડાપ્રધાને ઈમર્જન્સી બેઠક બોલાવી : દ. આફ્રિકાથી આવતા લોકોને ખાસ તપાસવા આદેશ
નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. નવા વેરિઅન્ટને લઇ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. ત્યારે ભારતમાં પણ મોદી સરકારે દેશભરમાં એલર્ટ આપ્યું છે. દરમિયાન હૂએ એશિયા સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને મંજૂરી આપવા મુદ્દે ચેતવણી આપી છે.
દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સમાચાર આવતા જ વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે શનિવારે એક ઈમર્જન્સી બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે 15મી ડિસેમ્બરથી ભારતમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમિક્ષા કરવા નિર્દેશ આપ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ એરપોર્ટ પર ટૂંક સમયમાં નવા નિયંત્રણો મુકાવાની શક્યતા છે.
વડાપ્રધાને કહ્યું કે વિદેશથી આવનારા પ્રવાસીઓના નિરીક્ષણ અને જોખમવાળા દેશો પર વિશેષ ધ્યાન અપાવું જોઈએ. ઓમિક્રોન મુદ્દે દેશભરના એરપોર્ટ અને સરકારી તંત્રોને એલર્ટ પર રખાયા છે. ખાસ કરીને આફ્રિકાથી આવેલા લોકોની વિશેષ તપાસ કરાઈ રહી છે.
દક્ષિણ આફ્રિકામાંથી કર્ણાટક આવેલા 94 લોકોની તપાસ કરાઈ હતી, જેમાંથી બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ બંને પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. જોકે, એક અધિકારીએ કહ્યું હતું કે, બંને દર્દીઓ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના બદલે ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હોવાની શક્યતા છે.
ઓમિક્રોન એઈડ્સના દર્દીમાંથી આવ્યાની શંકા
દુનિયાના વૈજ્ઞાાનિકોએ આ વેરિન્ટનું મૂળ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.
Trending Tags: