ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમાવાની છે
નવી દિલ્હી : ભારતમાં ક્રિકેટને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. એવામાં જો વાત હોય ભારત - પાકિસ્તાન ટીમની મેચની તો આ ક્રેઝ બેવડાઈ જાય છે અને લોકો પોતાના કામ મૂકી મેચ જોવા બેસી જાય છે. જોકે, ભારત - પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટક્કર થતી હોય તો વિદેશમાં પણ આ મેચ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, ઑક્ટોબર 2022માં ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ માટે મેચનું પ્રી-બુકિંગ શરૂ થતા જ ભારત - પાકિસ્તાનની મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે.
7 ફેબ્રુઆરી, સોમવારે જ્યારે ટી-20 વર્લ્ડ કપ માટે ટિકિટ બુકીંગ શરુ થયું ત્યારે ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચની ટિકિટ માત્ર 5 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી. ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમાવાની છે.
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે. સુપર-12 રાઉન્ડના આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયા કુલ 5 મેચ રમશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અન્ય બે ક્વોલિફાઈંગ ટીમોની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવી છે.
ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પછી 27 ઓક્ટોબરે યોજાનારી બીજી મેચમાં ક્વોલિફાયર ગ્રૂપ-એની રનર અપ સામે ભારતીય ટીમ ટકરાશે. 30 ઓક્ટોબરે ત્રીજી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે, 2 નવેમ્બરે યોજાનારી ચોથી મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર જોવા મળશે અને પાંચમી મેચ 6 નવેમ્બરના રોજ ક્વોલિફાયર ગ્રુપ Bના વિજેતા સાથે યોજાશે. આ પછી વર્લ્ડ કપમાં નોક આઉટ તબક્કાની મેચો શરૂ થશે.
ટી-20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ 2022માં યોજાનારી 45 મેચોની ટિકિટના એક ભાગનું સોમવારે પ્રી-બુકીંગ કરવામાં આવ્યું હતું. ટિકિટ પ્રીબુકીંગ માટે 2 લાખ ટિકિટ હતી અને 2 દિવસમાં આ પ્રી-બુકીંગથવાનું હતું. જોક, પ્રીબુકીંગ ખુલતા જ તમામ 2 લાખ ટિકિટ વેચાઈ ગઈ હતી. જેમાં ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. હાલમાં માત્ર થોડી ટિકિટો પ્રિ - બુકિંગમાં વેચાણ માટે રજૂ કરાઈ હતી. ટિકિટનો મોટો હિસ્સો સામાન્ય વેચાણમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર T20 વર્લ્ડ કપ યોજાશે. આ દરમિયાન 8 લાખ જેટલા ક્રિકેટ ચાહકો ક્રિકેટર મેદાનમાં બેસીને પોતાના પસંદગીના ખેલાડીને રમતા જોઈ શકે છે. હાલમાં સામાન્ય ટિકિટ ફાળવણી દ્વારા જ પ્રી-બુકિંગ કરવામાં આવે છે.
Trending Tags: