ભારતે આપેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 62 રન જ બનાવી શકી
IND vs BA: બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં આ વખતે મહિલા ક્રિકેટ (Women Cricket)ને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ભારતીય મહિલા ક્રિકેટની ટીમ (Indian women's Cricket Team) ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમે બાર્બાડોસ (Barbados)ને 100 રનથી હરાવી સેમી ફાઈનલ (Semi Final)માં સ્થાન મેળવ્યું છે.
ભારતીય ટીમ અને બાર્બાડોસ ટીમ વચ્ચે 3 ઓગસ્ટ, બુધવારે યોજાયેલી મેચમાં જેમિમાહ રોડ્રિગ્ઝે ભારતીય ટીમ માટે અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા રેણુકા સિંહે 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. સ્નેહ રાણા, મેઘના સિંહ અને રાધા યાદવે પણ એક-એક વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાની આવી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર શેફાલી વર્માએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 46 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજી તરફ હરમનપ્રીત કૌર ખાતું પણ ખોલાવી શકી નહોતી. આ સાથે જ દીપ્તિ શર્માએ 28 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તાનિયા ભાટિયા 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ભારતે આપેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 62 રન જ બનાવી શકી અને 100 રનથી મેચ હારી ગઈ. બાર્બાડોસની ટીમ માટે નાઈટે 16 રન બનાવ્યા હતા. તેણે 20 બોલનો સામનો કરીને બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે કેપ્ટન મેથ્યુસ માત્ર 9 રન બનાવીને આઉટ થઈ હતી. તેણે 7 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિશના હોલ્ડર 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
Trending Tags: