Thursday, Aug 11, 2022 Today’s Paper

Asia Cup 2022 Schedule: એશિયા કપ 2022નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, જાણો ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે થશે ટક્કર

02 Aug, 22 57 Views

એશિયા કપ 2022નું આયોજન પહેલા શ્રીલંકામાં કરવામાં આવનાર હતું

Asia Cup 2022 Schedule: ભારત (India)માં ક્રિકેટ (Cricket)ની રમતને ખુબ પસંદ કરવામાં આવે છે. આ સાથે જ જયારે વાત હોય ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ટીમ (Pakistan Cricket Team) વચ્ચે ટક્કરની ત્યારે ભારતીય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. તો જો તમને પણ ક્રિકેટ જોવાનું પસંદ છે તો ભારત - પાકિસ્તાનની ટક્કર જોવા માટે તૈયાર થઈ જાવ. કારણ કે, લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, તે એશિયા કપ 2022ના સંપૂર્ણ શેડ્યુલ (Asia Cup 2022 Schedule)ની જાહેરાત થઈ ગઈ છે. એશિયા કપ 2022નું શેડ્યુલ આજે 2 ઓગસ્ટ, મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council) દ્વારા જાહેર કરાયેલા એશિયા કપ 2022ના શેડ્યુલને બીસીસીઆઈ (BCCI)ના સેક્રેટરી દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

એશિયા કપ 2022નું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 28 ઓગસ્ટે ટક્કર થશે. આ  બંને પ્રતિસ્પર્ધી દેશને સમાન જૂથમાં મૂકવામાં આવ્યા છે. હકીકતમાં એશિયા કપમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં ત્રણ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાનની સાથે અન્ય ક્વોલિફાઈંગ ટીમ હશે. એ જ રીતે અફઘાનિસ્તાનની ટીમને શ્રીલંકા અને બાંગ્લાદેશની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે.

એશિયા કપમાં ભારત 28 ઓગસ્ટથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારતની બીજી મેચ 31 ઓગસ્ટે રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડમાં 6 મેચ રમાશે. આ પછી સામે આવેલી ટોચની બે ટીમો 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.

નોંધનીય છે કે, એશિયા કપ 2022નું આયોજન પહેલા શ્રીલંકામાં કરવામાં આવનાર હતું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી શ્રીલંકામાં સર્જાયેલા આર્થિક સંકટને કારણે ત્યાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ શ્રીલંકામાં ઘણીવાર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને એશિયા કપ ટુર્નામેન્ટને UAE શિફ્ટ કરવામાં આવી છે. જોકે, ઈવેન્ટની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

BCCI સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર હેન્ડલથી એશિયા કપનું શેડ્યૂલ શેર કરતા લખ્યું કે, 'આખરે રાહ પૂરી થઈ છે કારણ કે એશિયન સર્વોપરિતા માટેની સ્પર્ધા 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપની આ 15મી આવૃત્તિ T20 વર્લ્ડ કપ પહેલા એક મહત્વપૂર્ણ તૈયારી તરીકે કામ કરશે.'

advertisment image