Thursday, Aug 11, 2022 Today’s Paper

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું વધુ એક મેડલ પાક્કું, મહેસાણાની ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસની ફાઈનલમાં પહોંચી

05 Aug, 22 36 Views

પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ (વર્ગ 3-5)ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની સુ બેલીને હરાવીને ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશી મેડલ પાક્કું કર્યું છે

CWG 2022: હાલ બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ભારતીય ખેલાડીઓ (Indian players)નું શ્રેષ્ઠ પ્રદર્શન સતત ચાલુ છે. ત્યારે ગુજરાતના ખેલાડી (Gujarat player) પણ આ ટુર્નામેન્ટમાં ચમકી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગુજરાતના સુરત (Surat)ના હરમિત દેસાઈ (Harmeet Desai)એ ટેબલ ટેનિસમાં (Table tennis) ગોલ્ડ મેડલ મળવ્યો છે. ત્યારે ગુજરાતનું વધુ એક મેડલ નિશ્ચિત થઈ ગયું છે. ગુજરાતની મહેસાણા (Mahesana)ની રહેવાસી ભાવિના પટેલે (Bhavina Patel) પેરા ટેબલ ટેનિસ (Para Table Tennis)ની મહિલા સિંગલ્સ (વર્ગ 3-5)માં ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.  

પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ (વર્ગ 3-5)ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની સુ બેલીને હરાવીને ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશી મેડલ પાક્કું કર્યું છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં વધુ એક ભારતીય મેડલની પુષ્ટિ થઈ ગઈ છે. ભાવિના પટેલે ઈંગ્લેન્ડની પેરા પ્લેયરને 11-6, 11-6, 11-6થી એકતરફી હરાવીને પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. અગાઉ, ભાવિનાએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ ફિજીની અકાનીસી લાટુને 11-1, 11-5, 11-1થી હરાવી એકતરફી જીત નોંધાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

નોંધનીય છે કે, ભાવિના પટેલ સૌપ્રથમ વર્ષ 2011 થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપથી ચર્ચામાં આવી હતી. તેણે પેરા ટેબલ ટેનિસની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, વર્ષ 2013 માં ભાવિના પટેલે એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી ફરી એકવાર વર્ષ 2017માં ભાવિના પટેલે એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં  ભાવિના પટેલે પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વર્ગ-4નો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ઉલ્લેખનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક્સ 2021માં ભાવિનાની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. અહીં ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (ક્લાસ-4)માં સિલ્વર મેડલ જીત્યો હતો.

advertisment image