Tuesday, Jan 31, 2023 Today’s Paper

જુનિયર હોકી વર્લ્ડ કપઃ બેલ્જીયમને હરાવી ભારત સેમિ ફાઇનલમાં પહોંચ્યુ

02 Dec, 21 69 Views

ભારતે બેલ્જીયમ સામે સળંગ પાંચમી મેચ જીતી હતી : ૩ ડિસેમ્બરે ભારત-જર્મની વચ્ચે સેમિ ફાઈનલ મુકાબલો

ભુવનેશ્વરઃ ભુવનેશ્વરમાં ચાલી રહેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે 1-0થી બેલ્જીયમ સામે વિજય મેળવી સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. રોમાંચક મુકાબલામાં ભારતે બીજા ક્વાર્ટરમાં, મેચની 21મી મિનિટે શારદાનંદ તિવારીએ ગોલ નોંધાવ્યો હતો. જે આખરે નિર્ણાયક સાબિત થયો હતો. આ સાથે ભારત મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાંચમી વખત સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

ક્વાર્ટર ફાઈનલની શરૂઆતમાં બેલ્જીયમે બોલ પર કન્ટ્રોલ રાખવાનો વ્યુહ અપનાવ્યો હતો. ભારતીય ટીમે ફર્સ્ટ ક્વાર્ટરમાં કોઈ ગોલ નોંધાયો નહતો. જોકે બીજા ક્વાર્ટરમાં ભારતે સૌપ્રથમ પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ નોંધાવતા સરસાઈ મેળવી લીધી હતી. જે પછી બેલ્જીયમના મેચમાં પાછા ફરવાના જોરદાર પ્રયાસને ભારતીય ડિફેન્સ અને ગોલકિપરે નિષ્ફળ બનાવ્યા હતા.

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતે આક્રમક અંદાજની સાથે સાથે મજબુત ડિફેન્સની મદદથી યાદગાર જીત હાંસલ કરી હતી. ભારતીય ગોલકિપર પ્રશાંત ચૌહાને કેટલાક યાદગાર સેવ કર્યા હતા.

ભારતે આ સાથે બેલ્જીયમ સામે સળંગ પાંચમી મેચ જીતી હતી. નોંધપાત્ર છે કે, વર્ષ 2016માં રમાયેલા છેલ્લા જુનિયર હોકી વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે બેલ્જીયમને 2-1થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ. ડિફેન્ડિંગ ચેમ્પિયનમાં 3જી ડિસેમ્બરે શુક્રવારે ભારત સેમી ફાઇનલમાં જર્મની સામે ટકરાશે.