T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીત હાંસિલ કરી પાકિસ્તાન વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે
T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીત હાંસિલ કરી પાકિસ્તાન વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 152 રન જ બનાવી શકી હતી, જેનાં જવાબમાં પાકિસ્તાને 19.1 ઓવરમાં જ લક્ષ્ય હાંસિલ કરી દીધું હતું.
પાકિસ્તાનની મજબૂત ઓપનિંગ ભાગીદારી
પાકિસ્તાન તરફથી ઓપનર બાબર આઝમે 53 રન અને મોહમ્મદ રિઝવાને 57 રન બનાવી શતકીય ભાગીદારી કરી હતી. બંનેએ 105 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ સિવાય મોહમ્મદ હારિસે પણ 30 રનની મહત્વની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
પાકિસ્તાન 13 વર્ષ બાદ પહોંચ્યું ફાઇનલમાં
પાકિસ્તાન 13 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. પાકિસ્તાની ટીમ 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. છેલ્લી વખત તે 2009માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી અને ટાઇટલ પણ જીત્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ફાઈનલ
ન્યૂઝીલેન્ડ સામે જીત હાંસિલ કરી પાકિસ્તાન વર્લ્ડ કપની ફાઈનલમાં તો પહોંચી ગયું છે અને હવે આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ રમાશે. હવે જો આ મેચ ભારત જીતશે તો ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાય શકે છે. જો ભારત ફાઈનલમાં પહોંચશે તો 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ ફાઈનલ જેવી મેચ ફરી જોવાં મળી શકે છે.
Trending Tags: