Sunday, Jul 03, 2022 Today’s Paper

IND vs SA 2nd T20: દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ભારતીય ટીમની સતત બીજી હાર, બીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે જીત મેળવી

12 Jun, 22 48 Views

કલાસને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

IND vs SA 2nd T20: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે હાલમાં 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમ (South Africa team) સામે ભારતીય ટીમ (Indian team)ની સતત બીજી હાર નોંધાઈ છે. કટકમાં રમાયેલી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ સતત બીજી હાર છે. આ પહેલા તેને શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં દક્ષિણ આફ્રિકા માટે હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 46 બોલમાં 81 રન બનાવ્યા હતા.

ભારતે આજની મેચમાં આપેલા 149 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જોકે, ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 29 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા ક્લાસને મેચને પલ્ટી નાખી હતી. કલાસને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આજની મેચમાં ભારતીય ખેલાડી ભુવનેશ્વર કુમારે ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 49 રન આપીને એક વિકેટ લીધી હતી.  હર્ષલ પટેલે પણ સારી બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી. આવેશ ખાન અને હાર્દિક પંડ્યાને આજની મેચમાં એક પણ સફળતા મળી નથી.

દક્ષિણ આફ્રિકાની ટીમની વાત કરીએ તો ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ શરૂઆતમાં સંઘર્ષ કર્યો હતો. તેણે 30 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. ડ્યુસેન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.  રીઝા હેન્ડ્રીક્સ અને પ્રેટોરિયસ વધુ કંઈ કરી શક્યા ન હતા. આ બંને ખેલાડીઓ 4-4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.અંતમાં ડેવિડ મિલર 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 15 બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.  

ભારતીય ટીમમાં દિનેશ કાર્તિક 30 રને અણનમ રહ્યો હતો. તેણે 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 34 રન બનાવ્યા હતા. ઈશાનની ઇનિંગ્સમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

advertisment image