T-20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચી ગયેલી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલીમાં વધારો
રમત-જગત ડેસ્કઃ T-20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચી ગયેલી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. શનિવારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં ઇંગ્લિશ બેટર જેસન રોય ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે મેદાન પર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેવામાં હવે સેમી-ફાઇનલ જેવી નિર્ણયાક મેચમાં જેસન રોય રમી શકે તેવું લાગતું નથી, વળી એશિઝ સિરીઝમાં પણ તેના રમવા અંગે પ્રશ્ન ઊભો થયો છે.
જેસન રોય જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો ત્યારે સારા લયમાં જોવા મળ્યો હતો. તેણે બટલર સાથે ટીમને આક્રમક શરૂઆત આપવાની શરૂઆત કરી જ હતી કે રોય 'કાલ્ફ ઈન્જરી'નો શિકાર થયો હતો. આ દરમિયાન તાત્કાલિક જેસન રોય મેદાન પર ઢળી પડ્યો હતો અને ફિઝિયોને આવવું પડ્યું હતું. તેની પ્રાથમિક સારવાર દરમિયાન રોય દર્દને સહન ન કરી શકતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. એટલું જ નહીં તે ધ્રુસકે-ધ્રુસકે રડવા પણ લાગ્યો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જેસન રોય 15 બોલમાં 20 રન કરી ચૂક્યો હતો, પરંતુ ઈજા પહોંચતા તેને ગ્રાઉન્ડ છોડીને જવું પડ્યું હતું. ગ્રાઉન્ડ છોડતા સમયે પણ તે દુઃખી હતો અને ડ્રેસિંગ રૂમમાં રડતો નજરે પડ્યો હતો.
મેચ પછી ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને કહ્યું હતું કે રવિવારે સંપૂર્ણ ચેક અપ પછી જ રોય રમશે કે કેમ એની જાણકારી અમે આપી શકીશું. જોકે અમે છેલ્લા 2 વર્ષ માટે ઘણા સારા પ્લેયર્સ તૈયાર કરી રાખ્યા છે. તો આ વર્લ્ડ કપમાં તેમનો ઉપયોગ કરી શકીશું.
ઉલ્લેખનીય છે કે સેમિફાઇનલમાં જેસન રોય ના હોવાથી ઇંગ્લેન્ડની ટીમને ફટકો પડી શકે છે. ગ્રુપ-Bમાંથી હજુ બીજી કઈ ટીમ ક્વોલિફાય થશે એ નક્કી નથી. તેવામાં ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈપણ ટીમ સામે મેચ પહેલા રોયની ઈન્જરીએ ઇંગ્લેન્ડ ટીમને ચિંતામાં મૂકી દીધી છે. જોકે આ વર્લ્ડ કપ પછી ઇંગ્લિશ ટીમને એશિઝ પણ રમવાની છે, તેમાં પણ રોયની કમી વર્તાશે.
Trending Tags: