બંને કંપનીઓ પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે
નવી દિલ્હી : જો તમે નવા વર્ષે જાન્યુઆરીમાં ઓડી અને મર્સિડીઝની લક્ઝરી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તેમની કાર મોંઘી થવા જઈ રહી છે. નવા વર્ષથી ઓડી અને મર્સિડીઝની લક્ઝરી કાર ખરીદવી મોંઘી થઈ જશે. બંને કંપનીઓ પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. પરંતુ હવે તમે વિચારતા હશો કે આ કાર કેટલી મોંઘી થશે.
મર્સિડીઝ બેન્ઝ કાર બે ટકા મોંઘી થશે
મર્સિડીઝ-બેન્ઝે તેના વાહનોની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ જણાવ્યું છે કે કાચા માલની કિંમતમાં વધારાને કારણે ખર્ચની ભરપાઈ કરવા માટે 1 જાન્યુઆરી, 2021થી માત્ર પસંદગીના મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં 2 ટકાનો વધારો કરવામાં આવશે. જો કે કંપનીએ હજુ સુધી એ માહિતી આપી નથી કે કયા મોડલની કિંમતમાં વધારો થશે.
ઓડી તેની કારની કિંમતમાં 3% સુધી વધારો કરશે
જ્યારે મર્સિડીઝ-બેન્ઝે તેના વાહનોના ભાવમાં બે ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે ઓડીએ તેના તમામ વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. ઓડી ઈન્ડિયાએ કહ્યું છે કે વધતા કાચા માલ અને ઓપરેટિંગ ખર્ચને સરભર કરવા માટે કિંમતમાં સુધારાની જરૂર છે. કંપની તેના તમામ મોડલની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે.
મારુતિ સુઝુકીની કાર પણ મોંઘી થશે
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યું છે કે "છેલ્લા એક વર્ષમાં કાચા માલના ખર્ચમાં વધારાને કારણે કંપનીના વાહનોની કિંમત પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આથી, કંપનીએ ઉપરોક્ત વધારાના કેટલાક ખર્ચાનો ભાર ગ્રાહકો પર નાખવાનું જરૂરી સમજ્યું છે. નોંધનીય છે કે, ઘરેલુ વાહન ઉત્પાદક કંપની આ વર્ષમાં પહેલા પણ ત્રણ વખત પોતાના વાહનમાં કિંમતનો વધારો કરી ચુકી છે.