////

કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કરફ્યૂ ચાલુ રહેશે : CM રૂપાણી

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ કહી દીધું છે કે, જ્યાં સુધી કોરોનાની સ્થિતિ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હોવાના અહેવાલ વચ્ચે મુખ્યપ્રધાન રૂપાણીએ દાવો કર્યો કે, રાજ્યમાં સરકારે પુરતા પગલાં લીધા હોવાથી કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે. રાજ્યમાં પુરતા પ્રમાણમાં કોવિડ બેડ ઉપલબ્ધ છે.

સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાનઓની વર્ચ્યુઅલ વીડિયો કોન્ફ્રન્સિંગ બાદ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સરકારે કોરોનાને અંકુશમાં રાખવા પૂરતા પગલાં લીધા. જેના ભાગરુપે પહેલાં અમદાવાદમાં 57 કલાકનો વીકએન્ડ કરફ્યૂ લાદવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરો સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યૂનો લાદ્યો હતો. જે પરિસ્થિતિ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

કોરોનાના સંક્રમણને પગલે અમદાવાદમાં શુક્રવારથી બે દિવસ સુધી કરફ્યૂ લાદવાની જાહેરાત થઇ ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ મક્કમતાપૂર્વક કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન લાગુ કરાશે નહીં. તેમ છતાં લોકડાઉન કરતા પણ કડક કહેવાતો કરફ્યૂ લાદવામાં આવ્યો. ત્યારે હવે અનિશ્ચિત સમય સુધી 4 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દીધો છે. જેના કારણે લોકો ખાસ કરીને દૈનિક પરિશ્રમથી પેટિયું રળતા ગરીબ-મધ્યવર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં 85 ટકા એટલે કે લગભગ 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણીએ માહિતી આપતા કહ્યું કે, સરકારે લીધેલા પગલાંમાં રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં માત્ર 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.