
તિહાડ જેલમાં જલ્લાદે 2 દોષીઓને ફાંસી પર લટકાવી દીધા. પરંતુ તેમાંથી એક દોષી ફાંસી પર લટકાવ્યાના 2 કલાક બાદ પણ જીવિત રહ્યો. આ ખબર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો. વર્ષો જુનો આ મામલો હંમેશાંથી જ લોકોની વચ્ચે કૂતુહલનો વિષય બનતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1978ના એક ચર્ચિત દુષ્કર્મ અને મર્ડરના કેસમાં રંગા અને બિલ્લા નામના 2 દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 31 જાન્યુઆરી, 1982ના રોજ રંગા ઉર્ફ કુલજીત સિંહ અને બિલ્લા ઉર્ફ જસબીર સિંહને ફાંસી આપવામાં આવી. ફાંસીના તુરંત બાદ તેમાંથી એક દોષીનું મોત થઈ ગયું, પરંતુ તેમાંથી એક 2 કલાક સુધી જીવિત રહ્યો. તેની નાડી ચાલી રહી હતી, ત્યારે જેલ પ્રશાસને કહ્યું કે રંગાની નાડી ચાલી રહી છે.
આથી તેના પગને નીચેથી ખેંચવામાં આવે. રંગાના પગ ફરીથી ખેંચવામાં આવ્યા, ત્યારબાદ તેનું મોત થયું હતું. આ ઘટના બાદથી જ ફાંસી આપતા પહેલા ડમી ફાંસી આપવાની પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. આ પ્રક્રિયા અંતર્ગત જે વ્યક્તિને ફાંસી આપવાની હોય તેના વજન જેટલી ગુણીને દોરડાથી લટકાવવામાં આવે છે, જેથી એ તપાસ કરી શકાય કે દોરડું દોષીનું વજન યોગ્યરીતે સંભાળી શકશે કે નહીં. દિલ્હી સ્થિત તિહાડ જેલમાં વર્ષો સુધી કામ કરનારા સુનીલ ગુપ્તાએ પોતાની બુક Black Warrantમાં રંગા-બિલ્લા સાથે સંકળાયેલા આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.