/////

નીતિન પટેલે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની કરી જાહેરાત

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત રાજ્યના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફત મળતી હતી, પરંતુ હવે રાજ્યના દર્દીઓને ગંભીર રોગોની સારવારમાં સરળીકરણ રહે અને વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. આ કાર્ડ સાથે આધારકાર્ડ લઈને જનાર દર્દીઓને નિયત કરેલી હોસ્પિટલમાં રુપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે. 

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવાર જનોને ગંભીર બિમારી સામે વિનામૂલ્યે સારવાર પૂરી પાડતી મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી તે લાભો પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળશે. આ બંને યોજનામાં સારવાર માટેના તમામ પેકેજ એકસરખા કરવામાં આવ્યા છે. તેથી તમામ લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળશે.

Leave a Reply

Your email address will not be published.