રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પગલે હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બની ગયા છે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર 121ના પંજ નબર 39નાં પેજ પ્રમુખ બન્યા છે. તમામ મતદારોમાંથી પાંચ સભ્યને સમાવિષ્ટ કરી આ પેજ કમિટીની રચના પૂર્ણ કરી ભાજપના શહેર અધ્યક્ષ અરવિંદભાઈ પટેલને યાદી સુપરત કરાઈ હતી. ત્યારે પેજ પ્રમુખ બન્યા બાદ ભાજપના તમામ કાર્યકરોને પેજ કમિટીની રચના વહેલી તકે પૂર્ણ કરીને કાર્યકર તરીકેને ફરજ બજાવવા નીતિન પટેલે અપીલ કરી છે.
ભાજપમાં દિગ્ગજ નેતાઓ પણ પેજ પ્રમુખ બનીને મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. ત્યારે મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ બાદ હવે નાયબ મુખ્યપ્રધાન પણ પેજ પ્રમુખ બન્યા છે. તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વિશે આહવાન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેમણે કરી હતી. વોર્ડમાં સારું પ્રદર્શન કરવા માટે પેજની ટીમ મજબૂત હોય એ જરૂરી છે અને સમયે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું.
ત્યારે પ્રદેશ પ્રમુખની આ ટકોરને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ગઈકાલે પેજ પ્રમુખ બન્યા હતા. ત્યારે રૂપાણી દંપતીએ પેજ પ્રમુખ બનીને પોતાનું પેજ મજબૂત કર્યું હોવાનો સંદેશો આપ્યો હતો.