//

કોરોનાના વધતા કેસને પગલે સરકારની ચિંતા વધી, નીતિન પટેલે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી

અમદાવાદમાં દિવાળીના તહેવાર સમયે જ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતના હેલ્થ મિનિસ્ટર અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અસારવા સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી. તે દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, કેસ વધ્યા છે પણ ગભરાવવાની જરૂર નથી.

નીતિન પટેલે કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી હતી. નીતિન પટેલે કહ્યું કે આગામી 2 દિવસમાં ઝડપથી ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકોએ મહામારીથી ચેતવાની જરૂર છે. દર્દીઓની ઝડપી સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા સરકારી જ નહી પણ ઘણી ખાનગી હોસ્પિટલો પણ ભરાઇ ગઇ છે. નવરાત્રિમાં પણ કોરોના મહામારી સામે સફળતા મળી હતી. સરકારે જરૂરિયાત પ્રમાણે સમયસર નિર્ણય કર્યા છે.

અમદાવાદમાં દિવાળીની રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 91 દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દર્દીઓની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં નવા વોર્ડ ચાલુ કરવામાં આવ્યા હતાં. કાળી ચૌદશની રાત્રે પણ બે નવા વોર્ડ ખોલવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1070 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં જ્યારે 6 લોકોના મોત નિપજ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.