///

નીતિન પટેલે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને કરી આ જાહેરાત

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા દિવાળી પહેલા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓને છેલ્લા છ મહિનાના બાકી મોંઘવારી ભથ્થામાંથી ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. કોરોનાના પગલે અનેક કામો અટકી પડ્યા હતા તેમા આ કામ પણ અટકી પડ્યું હતું.

ભારત સરકારના ધારાધોરણો મુજબ કોઈપણ રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થું ચૂકવતી હોય છે. કોરોના બાદ હવે અર્થતંત્રની સ્થિતિ પાટે ચડી રહી છે, ત્યારે આ સંજોગોમાં રાજ્ય સરકારની સ્થિતિ પણ સુધરી છે. તેના પગલે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના છ મહિનાના બાકી રહેલા મોંઘવારી ભથ્થામાંથી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાની આગામી અઠવાડિયામાં ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો છે. આમ દિવાળી પહેલા ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાની ચૂકવણી થઈ જશે.

ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી સીધો પાંચ લાખ કર્મચારીઓને ફાયદો થશે. તેની સાથે જ નિવૃત્ત અધિકારીઓ અને પેન્શનરોને પણ ફાયદો થશે, જેની સંખ્યા 4.50 લાખ જેટલી છે. સરકાર આ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાં પેટે 464 કરોડની રકમ ચૂકવશે. બાકીના ત્રણ મહિનાની ચૂકવણીનો નિર્ણય પછી લેવાશે. આગામી સમયમાં રાજ્ય સરકારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે-સાથે તેમા તે મુજબનો નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published.