///

હડતાળ : નીતિન પટેલે હડતાળ પર રહેલા ઈન્ટર્ન તબીબોની ગેરહાજરી પુરવા કર્યો આદેશ

રાજ્યભરના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે આ હડતાળનો બીજો દિવસ છે. આ હડતાળમાં અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ટર્ન તબીબો 3 માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. જેમાં સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યૂટી બદલ ઇનસેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માગણી છે. સરકારી, GMERS તેમજ સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલના તબીબોનું હડતાળને સમર્થન મળ્યું છે. ઇન્ટર્ન તબીબોની માગણીના સંદર્ભે ડેપ્યુટી સીએમ દ્વારા કાલે ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાજુ ઈન્ટર્ન તબીબોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્ટ્રાઈક ઈઝ ઓનનો મેસેજ આપીને #we_are_united હેશટેગથી પોતાની માગણીઓ સંદર્ભે આક્રમકતા દર્શાવી છે.

તો બીજી બાજુ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હડતાળ પર રહેલા તમામ ઇન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવા ડીનને આદેશ કર્યો છે. જેમાં DyCM નીતિન પટેલે કહ્યું કે, મજબૂરીનો લાભ ઉઠાવી ઇન્ટર્ન તબીબો તેમની માગ સ્વીકારવા દબાણ ઉભું કરે તે ચલાવી નહીં લેવાય.

ઇન્ટર્ન તબીબોની હડતાળને પગલે DyCMએ ગેરહાજરી ભરવાના ડીનને આપેલા આદેશ મામલે ઇન્ટર્ન તબીબોએ કહ્યું કે, અમે એપ્રિલથી સતત કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવી રહ્યા છીએ. 9 મહિનાની હાજરી ઇન્ટર્નશિપમાં જરૂરી હોય છે, અમારી જરૂરી હાજરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, અમે સરકારને અમારી માગ મજબૂરીમાં મનાવી લેવાનો પ્રયાસ નથી કરી રહ્યા પરંતુ અમે અમારો હક્ક માગી રહ્યા છીએ, જે ફરજ બજાવી છે તે મુજબ જ માગ કરી છે.

તો અન્ય રાજ્યમાં ઇન્ટર્નને મળતી રકમ અને કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે અપાતી રકમ અંગે સરકાર જાણકારી મેળવે. સરકારે જે સરખામણી કરી એ નકામી છે. નીટની પરીક્ષા નજીક છે અમારી છતાંય અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.