//////

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેશુભાઈ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે અને તેમના પરિવારજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની પ્રભુ શકિત અર્પે તેવી પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્યપ્રધાને કેશુભાઈ પટેલને શોકાંજલી અર્પતા કહ્યુ કે, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોની ચિતાના હિમાયતી એવા કેશુભાઈના જવાથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. વર્ષ 1995માં રાજયમાં પ્રથમવાર સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર બની ત્યારે તેઓ પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતાં. તેમના મુખ્યપ્રધાન તરીકેનો તેમનો આ કાળ રાજયની વિકાસયાત્રામા સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે શરૂ કરેલી ગોકુળ ગ્રામ યોજના ગામડાઓના સર્વાગી વિકાસ માટે આશીર્વાદ રૂપ નીવડી હતી અને આજે પણ લોકોના મુખે ચર્ચાઈ રહી છે. તેમના દીર્ધદ્રષ્ટિ પૂર્ણ નિર્ણયો અને દર્ષ્ટિવંત નેતૃત્વને ત્યારબાદના અમારા મુખ્યપ્રધાનો એ આગળ વધારી છે. જેના પરિણામે આજે ગુજરાત દેશનુ વિકાસ મોડલ પુરવાર થઈ રહ્યુ છે.

તેમણે વધુમાં કહ્યું હતુ કે, કેશુભાઈ પટેલે રાજકોટ નગર પાલિકાના સભ્ય તરીકેથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને છ વખત ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાઈને સામાન્ય નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ઝડપથી પૂર્ણ થાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યો હતા તથા નર્મદા બંધની ઉંચાઈ વધારવા માટે રજૂઆતના પરિણામે પ્રથમ વખત ઉંચાઈ વધારવાની મંજૂરી પણ તેમના સમયમાં મળી હતી. ધાર્મિક રીતે પણ તેઓ ખૂબ જ સક્રિય હતા જીવનના અંતિમ તબક્કે પણ તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા હતાં.

નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવતા કહ્યું કે, કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતાં. તેમનો મારા જેવા લાખો કાર્યકરોના ઘડતરમાં પણ સિંહફાળો રહ્યો છે.

વધુ જણાવતા કહ્યું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કરીને અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. તેમણે સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.