////

નીતિશકુમારની ફરી NDAના નેતા તરીકે પસંદગી, આવતીકાલે લઇ શકે છે મુખ્ય પ્રધાન પદના શપથ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે સરકારના ગઠનને લઈને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજે પટનામાં મુખ્યપ્રધાન આવાસ પર NDAની મહત્વની બેઠક મળી હતી. જેમાં જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશકુમારને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

પટનામાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં નીતિશ કુમારને એક વખત ફરીથી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આથી નીતિશકુમાર એક વખત ફરીથી બિહારના મુખ્યપ્રધાન બનશે.

રાજનાથ સિંહે NDA વિધાયક દળની બેઠકમાં નીતિશ કુમારના નામની જાહેરાત કરી હતી. NDAની આ બેઠકમાં તમામ 4 પ્રાદેશિક પાર્ટીઓ હાજર રહી હતી. આ વખતે ચૂંટણીમાં NDAમાં સામેલ BJP, JDU, HAM અને VIPના 125 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યાં છે.

બીજી તરફ સુશીલ મોદી એક વખત ફરીથી બિહારના નાયબ મુખ્યપ્રધાન બની શકે છે.

સૌથી ખાસ વાત તો એ છે કે, આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

NDAની બેઠક પહેલા ચારેય સહયોગી પાર્ટીઓ એટલે કે JDU, BJP, HAM અને VIPના ધારાસભ્યોની પોતાની બેઠકો મળી હતી. જેમાં બેઠકમાં NDAના સંભાવિત નેતાના નામ પર ચર્ચા કરવા સાથે તેમના નેતૃત્વમાં સરકાર ગઠન માટે રાજ્યપાલને સોંપવાનો પત્ર તૈયાર કરાયો. સંયુક્ત બેઠક બાદ ચારેય પાર્ટીઓ દ્વારા રાજ્યપાલને સમર્થન પત્ર સોંપવામાં આવશે.

આ સાથે જ NDA રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જે બાદ તેમની ઈચ્છા પ્રમાણે તારીખ અને સમય નક્કી કરીને શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે. જો કે એવી અટકળો થઈ રહી છે કે, 16 નવેમ્બરે એટલે કે આવતીકાલે શપથ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.