/

નીતિશ કુમાર 7મી વાર બિહારના મુખ્યપ્રધાન બનશે

વડાપ્રધાન મોદી ફેક્ટરને પગલે બિહારમાં તમામ એક્ઝિટ પોલને ખોટા પાડી ભાજપ નેતૃત્વમાં NDAએ 125 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી મેળવી લીધી છે.

બુધવારે નવી દિલ્હીમાં ચૂંટણી વિજયની ઉજવણી અંગેની સભામાં વડાપ્રધાન મોદીએ બિહારના મુખ્યમંત્રીપદે નીતીશકુમાર પર મહોર મારી દીધી છે. ત્યારબાદ સીએમ અંગેની બધી અટકળોનો અંત આવી ગયો છે.

અગાઉ પણ ચૂંટણી રેલીઓમાં અને ચુંટણી પૂર્વ થયેલી સમજૂતિ મુજબ નીતીશકુમાર 7મી વાર જ્યારે બિહારના 37માં મુખ્યમંત્રીપદે શપથ લેવાની તૈયારીમાં છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ચૂંટણીમાં જદયુને ઓછી બેઠકો મળશે તો પણ તેમના નેતા નીતીશકુમાર જ હશે.

હવે પરિણામોમાં ભાજપે 74 અને જદયુએ 43 બેઠકો મેળવી છે. પરંતુ બિહારના લોકો અને નીતીશકુમારને આપેલા વચન મુજબ નીતીશકુમાર મુખ્યપ્રધાન બનવાના છે.

ચૂંટણી રેલીઓમાં લોજપના નેતા ચિરાગ પાસવાનના નિવેદનોને કારણે વ્યાકૂળ થઇ ગયેલા નીતીશકુમારને ગૃહપ્રધાન અમિત શાહે ખાતરી આપી હતી કે મુખ્યપ્રધાન પદના દાવેદાર તેઓ જ છે.

જો કે પરિણામોમાં ભાજપ મોટો પક્ષ તરીકે ઊભરી આવતા મીડિયા સહિત રાજકીય વર્તૂળોમાં મુખ્યપ્રધાન પદ અંગે અટકળો થવા લાગી હતી. પરંતુ બુધવારે નવી દિલ્હી ખાતે ચૂંટણી વિજયની ઉજવણી અંગેની સભામાં વડાપ્રધાન મોદીએ બિહારના મુખ્યમંત્રીપદે નીતીશકુમાર પર મહોર મારી દીધી હતી.

વડાપ્રધાન મોદીએ તેમાં બિહારની જનતા ખાસ કરીને મહિલાઓને જીતને શ્રેય આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ બિહારના મહિલાઓને ભાજપના સાયલેન્ટ વોટર ગણાવ્યા હતાં. આ સાથે બિહારના સીએમ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી દીધુ હતું.

બિહારના ભાજપ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે ચૂંટણી પહેલાંની સમજૂતી મુજબ નીતીશકુમાર મુખ્યપ્રધાન બનશે. પરંતુ ભાજપ પોતાના વિકલ્પ ખુલ્લો રાખશે.

નીતીશકુમારે ક્યારે ક્યારે બિહારના CM બન્યા

-નીતીશકુમાર સૌથી પહેલાં 2000માં મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી 7 દિવસમાં જ સરકાર પડી ગઇ.
-બીજી વખત 24 નવેમ્બર 2005માં CM પદના શપથ લીધા.
-26 નવેમ્બર 2010માં ત્રીજી વાર બિહારનું સુકાન સંભાળ્યું.
-ચોથી વાર 22 ફેબ્રુઆરી 2015માં નીતીશ મુખ્યપ્રધાન બન્યા.
-રાજદ સાથે ગઠબંધન કરી 20 નવેમ્બર 2015માં ફરી CM બન્યા.
-રાજદ સાથે નાતો તૂટતા ભાજપનો સાથ લઇ 27 જુલાઇ 2017માં 6ઠ્ઠીવાર શપથ લીધા.

નોંધનીય છે કે નીતીશકુમારે ચૂંટણી રેલીમાં જાહેરાત કરી દીધી હતી કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. નીતીશકુમાર લાંબા સમય (15 વર્ષો)થી બિહારમાં રાજ કરી રહ્યા છે. પરંતુ આ વખતે તેમને જુના સાથી લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે જેરદાર ટક્કર આપી હતી.

હવે ધારાસભ્યોના દળની બેઠકમાં મુખ્યપ્રધાન પદ માટે નીતીશકુમારના નામ પર મહોર લાગશે. ત્યારબાદ તેઓ 7મી વખત બિહારનું નેતૃત્વ સંભાળશે.

Leave a Reply

Your email address will not be published.