////

રાજ કુંદ્રાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈની રાતે પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવા અને તેને પબ્લિશ કરવાના મામલે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાને મુખ્ય આરોપી ગણાવ્યો. આ મામલે ધરપકડ કરાયેલા રયાન થારપ સાથે જ રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. સતત આ મામલે શિલ્પા શેટ્ટીનું નામ પણ ઉછળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને સવાલ કરી રહ્યા છે.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટી અંગે પણ તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી પોલીસ અધિકારીઓને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. ETimes માં છપાયેલા અહેવાલ મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મિલિન્દ ભારમ્બેએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે ‘અમને હજુ સુધી શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈનો સંપર્ક કરે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

મહત્વનું છે કે, હાલ સોશિયલ મીડિયા પર એચ એકાઉન્ટ્સ નામના એક ગ્રપની વોટ્સએપ ચેટની તસવીરો વાયરલ થઈ. એવો દાવો કરાયો છે કે આ ગ્રુપમાં રાજ કુંદ્રા પણ જોડાયેલો હતો. હવે એવી જ એક વધુ ચેટ સામે આવી છે. જેમાં બોલી ફેમ નામનું ગ્રુપ સામે આવ્યું છે. જે 30 ઓક્ટોબરે બનાવવામાં આવ્યું હતું.

રાજ કુંદ્રાની ચેટ્સથી ખબર પડે છે કે રાજ કુંદ્રા અને તેમની ટીમને પોર્નોગ્રાફીના કારણે પોલીસ અને અન્ય જોખમો વિશે ખબર હતી. આ સાથે જ તે માટે પૂરી તૈયારી પણ થઈ રહી હતી. એટલું જ નહીં તેમનો પ્લાન બી પણ તૈયાર હતો.

મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફીક ફિલ્મો બનાવવા અંગેનો એક કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં આરોપ હતો કે આ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ દ્વારા પબ્લિશ કરાય છે. આ મામલે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં રાજ કુંદ્રાનું નામ પણ ઉજાગર થયું હતું. કમિશનરે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રેકેટમાં રાજ કુંદ્રા મુખ્ય આરોપી છે. પોલીસને તેની વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. ત્યારબાદ સોમવારે તેની ધરપકડ થઈ.

Leave a Reply

Your email address will not be published.