///

માત્ર શંકાના આધારે માલ કે વાહન કબ્જે કરવાની કારણ દર્શક નોટિસ આપી ન શકાય: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એકટ-2017 હેઠળ જપ્ત કરવામાં આવેલા માલસામાન છોડાવવા મુદ્દે અરજી કરવામાં આવી હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે મહત્વનું અવલોકન કરીને કહ્યું કે, માત્ર શંકાના આધાર પર માલ કે વાહન કબ્જે કરવાની કારણ દર્શક નોટિસ પાઠવી શકાય નહિ.

આ અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ એકટ-2017ની કલમ 130 મુજબ માત્ર શંકાના આધાર પર માલ કે વાહન જપ્ત કરવા માટે શો-કોઝ નોટિસ આપી શકાય નહિ. સાથે જ આ અંગે ડિવિઝન બેંચે સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા વાહન અને માલ-સમાન જપ્ત કરવા માટે આપેલી કારણ દર્શક નોટિસ રદ કરી હતી. અને કહ્યું હતું કે, જે કારણો રજૂ કરી સ્ટેટ ટેક્સ અધિકારી દ્વારા ડ્રાઇવરને માલ-સમાન અને વહાન જપ્ત કરવાની નોટિસ આપી છે તે ગેરકાયદેસર છે.

આ ઉપરાંત કોર્ટે નોંધ્યું હતું કે, સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એકટ 2017ની કલમ 129નું ઉલ્લંઘન કરનાર વ્યક્તિના વાહન અને માલ-સામાન જપ્ત કરી શકાય છે. અરજદાર પક્ષનો માલ લઈને જતા ડ્રાઇવરે 8 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીનું ઇ-બિલ રજૂ કર્યું હતું, જોકે સ્ટેટ ટેક્સના અધિકારીની ટીમ દ્વારા વાહનને અટકાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદાર પાન મસાલાનો વ્યવસાય કરે છે અને આજ ભાગરૂપે તેમને ઉજ્જૈનમાં આવેલી એક એન્ટરપ્રાઇઝને 35 લાખ રૂપિયાનો માલ – સમાન મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. જેને લઈને વાહન ગુજરાતની સીમામાં પ્રવેશ્યા બાદ સ્ટેટ ટેક્સ વિભાગના અધિકારીએ તેને અટકાવીને કારણ દર્શક નોટિસ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.