////

ચેતી જજો, હવે માસ્ક ન પહેરવા પર કોવિડ સેન્ટરમાં 10 દિવસની સેવા આપવી પડી શકે છે

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો વધીને 2 લાખની પાર પહોંચી ગયો છે. તેવામાં રાજ્યમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારે કોર્ટમાં અરજી કરી છે કે, કોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર તેમજ એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાની માગ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી અને મોટી સંખ્યામાં માસ્ક ન પહેરનાર લોકો એસિમ્પટોમેટિક પોઝિટિવ આવે છે, ત્યારે તેઓ નિયમોનું પાલન કરે તેના માટે આ કોવિડ સેન્ટરની કમ્યુનિટી સેવા લાગુ કરી દેવી જોઈએ.

જેમાં જે લોકો માસ્ક ન પહેરે તેમને 10 થી 15 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ સ્ટાફ પર સેવા કરવા મોકલી દેવાની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે સરકારી વકીલે આ મુદ્દે સરકાર પાસે નિર્દેશ લેવા માટેનો સમય માંગ્યો છે.

મહત્વનું છે કે, ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે પણ લોકો કોરોનાને ગંભીરતાથી લેતા ન હોવાથી કમ્યુનિટી સેવાની ભલામણને લાગુ કરવા મુદ્દે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ સિવાય અરજીમાં એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવે જ્યારે ત્યારે હાઈકોર્ટે સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મામલાને 1લી ડિસેમ્બરના રોજ અર્જન્ટ ધોરણે સાંભળશે.

Leave a Reply

Your email address will not be published.