//

ફટાકડા ફોડવા મામલે અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, માત્ર…

કોરોના મહામારી વચ્ચે આવી રહેલા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને સુપ્રીમ કોર્ટના આદેશ પાલન કરવા કહ્યું હતું. જેને પગલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરીજનો રાત્રે બે કલાક જ ફટાકડા (Firecrackers) ફોડી શકાશે.

આ અંગે અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, દિવાળીના તહેવારો દરમિયાન રાતના 8 થી 10 કલાક સુધી એમ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત અવાજ અને હવાનું પ્રદૂષણ ફેલાવતા હોય તેવા ફટાકડા અને લૂમ ફોડવા પર પ્રતિબંધ રહેશે.

આ સિવાય અમદાવાદ શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હોસ્પિટલ, ન્યાયાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, નર્સિંગ હોમ તેમજ ધાર્મિક સ્થળોની 100 મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં.

ફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઓનલાઇન વેબસાઈટ પરથી ફટાકડાનું વેંચાણ કે ખરીદી કરી શકાશે નહી. કોઈ પણ પ્રકારની તુકકલ કે ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો અમલ સોમવારે 9 નવેમ્બરથી 19 નવેમ્બર એમ 10 દિવસ સુધી લાગૂ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કલમ 144 હેઠળ આ અંગેનો આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવાઇ છે. રાજ્યમાં ફટાકડાના ગેરકાયદેસર આયાત, સંગ્રહ તેમજ વેચાણ સામે પ્રતિબંધ લગાવાયો છે. કલમ 144 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.

માત્ર દિવાળી જ નહીં પરંતુ અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં વિદેશી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે વિદેશી ફટાકડાની આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સામે જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.