////

અમદાવાદમાં કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા

શહેરના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની જાહેરમા હત્યા થઈ છે. સાળા બનેવીના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો. સોલા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.

દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલમાં હત્યા કરનાર પ્રદીપનો કૌટુંબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલો પ્રદીપ પોલીસ સ્ટેશનમાં પણ માથા પછાડીને આંતક મચાવતો હતો. આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ-2માં રહેતા પ્રદીપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલા બાદ લોહીથી લથપથ હાલતમાં પ્રદીપ પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડ્યો હતો. અહીં તે જમીન પર ઢળી પડ્યો હતો. વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલના કારણે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ ડોનની હત્યાથી દહેશતનો પણ અંત આવ્યો હતો.

વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. પોલીસે પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ કેસમાં પોલીસે અટકાયત પણ કરી છે. પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો. તેની વિરુદ્ધ અપહરણ, ખંડણી, હત્યાના પ્રયાસના અનેક ગુના નોંધાયા છે. સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિષ પાંડે અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.