///

LAC પર તૈનાત ભારતીય સેનાના જવાનો માટે આધુનિક ટેન્ટ કરાયા તૈયાર

ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં સેનાના જવાનોના વસવાટ માટે આધૂનિક ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે જવાનોને અહીં રહેવા માટે અદ્યતન સુવિધાઓ મળશે. લદ્દાખમાં દર વર્ષે નવેમ્બર બાદ 40 ફૂટ હિમવર્ષા થાય છે. જ્યારે તાપમાન માઈનસ 30-40 ડિગ્રી સુધી નીચે ચાલ્યું જાય છે. જેને પગલે હવે અહીં સેના જવાનોની સગવડ સરળ કરવા માટે તેમના રહેવાની વ્યવસ્થાને
આધુનિક કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પૂર્વ લદ્દાખ છેલ્લા કેટલાક મહિનાથી ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદને લઈને ચર્ચામાં રહ્યું છે. ત્યારે અહીં જૂનમાં ગલવાન ઘાટીમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું.

ભારતીય સેનાએ બુધવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઠંડીની સિઝનમાં સરહદ પર ફરજ બજાવતા જવાનોની ઓપરેશન ક્ષમતા વધારવા માટે ભારતીય સેનાએ આ સેક્ટરમાં જવાનોના રહેવાની વ્યવસ્થાને અપગ્રેડશનનું કામ ખતમ કર્યું છે. આ પહેલા તૈયાર કરવામાં આવેલા કેમ્પો ઉપરાંત ટેન્ટમાં વીજળી, પાણી, હીટિંગની સુવિધા સાથે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે .

આ ઉપરાંત સેનાએ જણાવ્યું કે, જવાનોની તૈનાતીને ધ્યાનમાં રાખીને તેને હીટરયુક્ત ટેન્ટની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય સૈનિકોને કોઈ પણ પ્રકારની આકસ્મિક જરૂરિયાતને પૂરી પાડવા માટે વ્યવસ્થિત માળખુ પણ બનાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન પૂર્વી લદ્દાખમાં અનેક મહિનાઓથી સરહદ વિવાદને લઈને સમાધાન શોધી રહ્યાં છે. ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે બન્ને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર અનેક તબક્કે વાતચીત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.