/////

હવે 1લી જાન્યુઆરીથી ભક્તો વૈષ્ણોદેવીના દર્શને જઈ શકશે, રેલ્વેએ કર્યો આ નિર્ણય

વૈષ્ણોદેવીના દર્શન કરવા જવા માગતા ગુજરાતના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં 1 જાન્યુઆરી 2021થી કટરા જતી ટ્રેનો ફરી એકવાર શરૂકરવામાં આવશે. કોરોના મહામારીના પગલે કટરા જતી 4 ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામ-કટરા એક્સપ્રેસ, જામનગર-કટરા એક્સપ્રેસ, હાપા-કટરા એક્સપ્રેસ અને બાન્દ્રા-કટરા એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.

આજે ક્રિમસમના અવસરે રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મુસાફરોએ સરકારની કોરોનાની SOPનું પાલન કરવાનું રહેશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે બાન્દ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી વૈષ્ણોદેવી કટરા સુધી ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોમાં આજે 25 ડિસેમ્બરથી બુકિંગ શરૂ કરાયું છે.

આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રેલવેએ મુસાફરોની માંગને પૂરી કરવાના હેતુથી ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. 04671 બાન્દ્રા ટર્મિનસ-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન 1 જાન્યુઆરીથી બાન્દ્રા ટર્મિનસથી દર રવિવાર, સોમવાર અને ગુરુવાર અને શુક્રવારે સવારે 11 વાગ્યે રવાના થશે.

આગામી દિવસે સાંજે 5.40 કલાકે શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે. વાપસીમાં 04672 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન 30 ડિસેમ્બરથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરાથી મંગળવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે સવારે 9.55 કલાકે રવાના થશે. આગામી દિવસે સાંજે 4.00 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, સુરત, વાપી, ભરુચ, વડોદરા, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, મથુરા, નવી દિલ્હી, પાનીપત, અંબાલા કેન્ટ, લુધિયાના, ફગવાડા, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, જમ્મુ તવી અને ઉધમપુર સ્ટેશન પર બંને દિશાઓમાં રોકાશે. ટ્રેન નંબર 04671 હજરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે. જ્યારે કે ટ્રેન નંબર 04672 સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ કેટેગરીના સીટિંગ કોચ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.