///

કિસાન આંદોલન: હવે ખેડૂતોને મનાવવાનો મોરચો રાજનાથ સિંહે સંભાળ્યો

ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનમાં હવે સરકાર વતી રાજનાથસિંહે મોરચો સંભાળ્યો છે. જેમાં તેઓ સરકારનો પક્ષ રાખીને ખેડૂતોને મનાવવાનો પ્રયત્ન કરશે. આ વાતચીત બપોરે ત્રણ વાગે વિજ્ઞાન ભવનમાં થશે. કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોનો વિરોધ સળંગ છઠ્ઠા દિવસે પણ યથાવત છે. ત્યારે ખેડૂતોએ દિલ્હીના અલગ-અલગ ક્ષેત્રોની સરહદો પર આંદોલન કરીને સરકારને અપીલ કરી રહ્યા છે.

આ મામલે સરકાર છેલ્લા પાંચથી છ દિવસથી પ્રયત્ન કરી રહી છે કે, ખેડૂતો રસ્તા પરથી હટે અને બુરાડીના એક મેદાનમાં જાય. પરંતુ ખેડૂતોએ તેની ના પાડી છે, તેના પછી વાતચીતનો રસ્તો સાફ થયો છે. સરકાર તરફથી રાજનાથસિંહ ખેડૂતો સાથે વાત કરશે. રાજનાથસિંહની છાપ ખેડૂત નેતાની રહી છે અને દરેક સંગઠનોમાં તેમના પ્રત્યે સન્માન છે. આ પ્રકારના મુશ્કેલ સમયમાં સરકારે તેમને જ મેદાનમાં ઉતાર્યા છે. રાજનાથસિંહની સાથે કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને અન્ય પ્રધાન પણ હાજર રહેશે.

આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. જેમાં સરકાર તરફથી ખેડૂતોની શંકા દૂર કરવામાં આવશે. સાથે જ એમએસપી અંગે આશ્વસ્ત કરવામાં આવશે. ભાજપ પોતાના શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોદ્વારા એમએસપી-મંડીના મુદ્દા પર આશ્વસ્ત કરશે. આ સિવાય સરકાર તે પણ સ્પષ્ટ કરી શકે છે કે, કાયદો પરત નહીં ખેંચે. પણ કોઈ સમિતિની રચના થઈ શકે છે. આ વાતચીત પહેલા કૃષિ પ્રધાનનરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ચર્ચા રસ્તા પર ન થઈ શકે. જ્યારે વાતચીત થશે ત્યારે દરેક વિષય પર થશે. સરકાર પહેલા પણ ખેડૂતો સાથે વાત કરી છે, પરંતુ હવે ફરીથી કોઈ વાત પર અટક્યા વગર મંથન થશે.

તો બીજી બાજુ ખેડૂત સંગઠનોને ડર છે કે, એપીએમસીની બહાર આવવાથી એમએસપી પર અસર પડશે અને તે ધીમે-ધીમે ખતમ થઈ જશે. આ ભયના પગલે ખેડૂતો સરકાર પાસેથી લેખિત આશ્વાસન ઇચ્છે છે અને એમએસપીને કાયદાકીય સ્વરૂપ આપવા પર અડગ છે.

નોંધનીય છે કે, ખેડૂતોએ સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર, મેરઠ રોડ, ગાઝિયાબાદ રોડ સહિત અન્ય કેટલાય માર્ગો પર તેમના તંબુ તાણ્યા છે. ખેડૂતો ધરણા સ્થળે જ જમવાનું જમે છે. આ સંજોગોમાં દિલ્હી-એનસીઆરના લોકોને ટ્રાફિકને લઈને ઘણી મુશ્કેલી આવી રહી છે. દિલ્હીથી ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ સુધી તમામ જામ છે. મેટ્રોની અંદર કેટલાક રુટ પણ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાકમાં ટ્રેનો નિયત સમયગાળા માટે જ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published.