///

ઉત્તરપ્રદેશ: હવે અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ હશે

યુપી સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવા સાથે જ જિલ્લાને સંપૂર્ણ રીતે ટુરિસ્ટ સ્પોટમાં બદલવા મથી રહી છે. અહીં એક શાનદાર એરપોર્ટથી લઈને વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન અને ડોમેસ્ટિક બસ સ્ટેશન બનાવવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે યોગી સરકારે નિર્માણ પામી રહેલા અયોધ્યા એરપોર્ટનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ નવું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ હશે.

તો બીજી તરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એલાન કર્યું છે કે, ઉત્તર પ્રદેશમાં સંત તુલસીદાસ અને સંત વાલ્મિકી સાથે સંકળાયેલા સ્થળોને સૌ પ્રથમ વિક્સિત કરવાનું કામ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રવાસ અને સંસ્કૃતિ વિભાગ બુંદેલખંડમાં આવતા ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર તાલુકા અને લાલપુરમાં વિકાસ કાર્યની શરૂઆત કરશે.

આ અંગે કહેવામાં આવે છે કે, 5 સપ્ટેમ્બરે ચિત્રકૂટ વિભાગની સમીક્ષા દરમિયાન મુખ્યપ્રધાને અધિકારીઓને રાજાપુર અને લાલપુરની રોડ લિંક યોજના પર કામ કરવા જણાવ્યું હતું. જ્યારે 31 ઓક્ટોબરે વાલ્મિકી જયંતિ પર આદિત્યનાથે લાલાપુરમાં વાલ્મિકી આશ્રમનો પ્રવાસ કર્યો હતો અને તેને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિક્સીત કરવાનો આદેશ આપ્યો હતો. અહીં રોપ-વેની સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ લગાવવાનો આદેશ પણ આપ્યો હતો.

તો અગાઉ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટર પર એરપોર્ટનું નામ બદલવાની જાહેરાત કરતા કહ્યું કે, કેબિનેટમાં અયોધ્યા સ્થિત એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીના નામ પર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.