હવે દેશ-વિદેશની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને વધુ લોખંડી સુરક્ષા મળશે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાત્રા માટે તૈયાર 777 એરક્રાફટનું બીજું સ્પેશ્યલ વિમાન આજે અમેરિકાથી ભારત આવી રહ્યું છે. આ વીઆઈપી એરક્રાટ અમેરિકાથી ટેકઓફ કરી ચૂક્યું છે અને ગમે ત્યારે ભારત આવી પહોંચશે. વિમાનો માટે ભારતે વર્ષ 2018માં બોઈંગ કંપની સાથે સોદો કર્યો હતો. આ વિમાનોને કસ્ટમાઈઝ કરવાનું કામ અમેરિકામાં કરાયું છે.
આ વિમાનમાં સુરક્ષા અને જરૂરિયાતોની દૃષ્ટિએ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતને મળનારા આ વિમાનનું નામ એર ઈન્ડિયા વન રાખવામાં આવ્યું છે. વિમાનને જૂલાઈમાં જ વિમાન નિર્માતા કંપની બોઈંગ દ્વારા એર ઈન્ડિયાને સોંપવાનું હતું પરંતુ બે વખત તેમાં વિલંબ થયો હતો. પહેલી વખત કોવિડ-19 મહામારીને કારણે વિલંબ થયો અને પછી ટેકનીકલ કારણોસર તેમાં સપ્તાહોનું મોડું થવા પામ્યું હતું.
અધિકારીઓની વાત માનીએ તો બન્ને વિમાનોની ખરીદી અને તેના પુનનિર્માણ પાછળ કુલ 8400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે. બી-777 વિમાનોમાં અતિ આધુનિક મિસાઈલ વિરોધી સિસ્ટમ હશે જેને લાર્ચ એરક્રાફટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સૂટસ કહેવામાં આવે છે. વીવીઆઈપીની યાત્રા દરમિયાન બન્ને બી-777 વિમાનોને એર ઈન્ડિયાના પાયલટ નહીં પરંતુ ભારતીય વાયુ સેનાના પાયલોટ ઉડાવશે. અત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એર ઈન્ડિયાના બી-747 વિમાનોમાં યાત્રા કરે છે.