હવે દેશમાં લેન્ડલાઈનથી મોબાઈલમાં ફોન પર કૉલ કરવા માટે ગ્રાહકોને એક જાન્યુઆરીથી નંબરની પહેલા શૂન્ય ડાયલ કરવો ફરજિયાત થશે. ટેલિકોમ વિભાગ સાથે સંકળાયેલ TRAIએ આ અંગેનો પ્રસ્તાવ મંજૂર કરી લીધો છે. TRAIએ આ પ્રકારના કૉલ કરવા માટે 29 મે, 2020થી જ નંબરની પહેલા શૂન્ય લગાવવાની ભલામણ કરી હતી. જેથી ટેલિકોમ સર્વિસ પૂરી પાડતી કંપનીઓને અધિક નંબર બનાવવા માટેની સુવિધા મળશે.
ટેલિકૉમ વિભાગે 20 નવેમ્બરે જાહેર કરેલા એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, લેન્ડલાઈનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફારની TRAIની ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. જેથી મોબાઈલ અને લેન્ડલાઈન સર્વિસ માટે પૂરતી માત્રામાં નંબર બનાવવાની સુવિધા મળશે.
તો આ સર્ક્યુલર અનુસાર, ઉપરોક્ત નિયમ લાગૂ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ પર કૉલ કરવા માટે નંબરની પહેલા શૂન્ય ડાયલ કરવો પડશે. આ અંગે ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને લેન્ડલાઈનના તમામ ગ્રાહકોને શૂન્ય ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સુવિધા હાલ પોતાના વિસ્તારની બહાર કૉલ કરવા માટે ઉપલબ્ધ છે.
ત્યારે ટેલિકૉમ કંપનીઓને આ નવી વ્યવસ્થા અપનાવવા માટે એક જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પ્રકારના ફેરફારથી ડાયલ કરવાની પદ્ધતિમાં ટેલિકૉમ કંપનીઓને મોબાઈલ સર્વિસ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે.