///

AIIMSમાં નર્સ યુનિયનની અચોક્કસ મુદતની હડતાળ, દર્દીઓ મુશ્કેલીમાં

દેશની રાજધાની દિલ્હીમાં એકબાજુ ખેડૂતો પોતાની માગ પર અડગ છે, ત્યારે બીજી બાજુ હવે સૌથી મોટી સરકારી હોસ્પિટલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. જેમાં નર્સ યુનિયનનું કહેવું છે કે, તેમની અનેક માગણીઓ છે જેને સરકાર અને પ્રશાસન માનતી નથી. એવામાં તેમની પાસે હડતાળ પર ઉતર્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નહતો.

આ અંગે એઈમ્સ નર્સિંગ યુનિયનના પ્રેસિડેન્ટ હરીશકુમાર કાજલાએ જણાવ્યું કે, તેઓ આ પ્રકારે હડતાળ પર જવા માંગતા ન હતા. પરંતુ એક મહિનો વીતી ગયા છતાં સરકાર અને એઈમ્સ પ્રશાસને તેમની માગણીઓ પર વિચાર કર્યો નહીં. જે કારણે 16 ડિસેમ્બરથી શરૂ થનારી હડતાળને 14 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી. કાજલાએ ચેતવણી આપી કે, જ્યાં સુધી તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

આ ઉપરાંત નર્સ યુનિયનની અચોક્કસ મુદ્દતની હડતાળની સીધી અસર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને થઈ છે. હાલ એઈમ્સમાં લગભગ 5 હજાર નર્સિંગ સ્ટાફ છે. જેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ છે. આ સ્ટાફ એઈમ્સમાં દાખલ થયેલા સેંકડો દર્દીઓની સંભાળ કરે છે. એવામાં અચાનક હડતાળ પર ઉતરી જવાના કારણે એઈમ્સ પ્રશાસન માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની શકે છે.

એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ નર્સોની અચાનક શરૂ થયેલી હડતાળને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, મહામારીના આ સમયમાં ખરા નર્સિંગ કર્મચારીઓ હડતાળ કરી શકે નહીં. નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ન જવું જોઈએ. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે જેમ કે ફ્લોરેન્સ નાઈટેંગલે કહ્યું હતું કે, ખરી નર્સ ક્યારેય પોતાના દર્દીઓને છોડતા નથી એ જ રીતે એઈમ્સની સાચી નર્સો પોતાના દર્દીઓને છોડશે નહીં.

આ ઉપરાંત ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, નર્સોની મુખ્ય 23 માંગણીઓ છે. જેમાંથી મોટાભાગની સરકાર અને એઈમ્સ પ્રશાસને માની લીધી છે. આમ છતાં નર્સિંગ યુનિયન હડતાળ પર ઉતર્યું છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીઓ પડી શકે છે. તેમણે નર્સિંગ યુનિયનને હડતાળ પૂરી કરીને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. પરંતુ યુનિયન પર તેમની આ અપીલની કોઈ અસર થતી હોય તેવું જણાતું નથી. તેઓ હજુ પણ પોતાની માગણીઓ પર મક્કમ છે.

Leave a Reply

Your email address will not be published.