///

સુરત : સ્ટેટ GST વિભાગના અધિકારીઓ ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદ

છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ GST વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ બાબતે નાયલોન સ્પીનર્સ એસોસીએશન, સુરત તથા અન્ય એસોસીએશનની બેઠક મળી હતી. જે પછી ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશ્નર જે.પી. ગુપ્તાને ઈન્સ્પેક્ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારોની કરવામાં આવી રહેલી કનગડત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

છેલ્લાં ઘણા સમયથી ઉદ્યોગકારો દ્વારા ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશનમાં જો ભૂલ થાય છે, તો તેવા સંજોગોમાં સ્ટેટ GST વિભાગના સુરત ખાતેના મોબાઇલ સ્ક્‌વોડ દ્વારા આખું કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યારબાદ ઉદ્યોગકારોને એવું જણાવવામાં આવે છે કે અપીલ થકી આ માલ તથા વાહનને છોડાવવું પડશે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્‌ટ ટેક્‌સીસના પરીપત્ર નં. 64/33/2018 તા. 14/09/2018 મુજબ આ પ્રકારની ભૂલો અંતર્ગત માત્ર રૂપિયા એક હજારની પેનલ્ટી કરવાની જોગવાઇ છે.

ત્યારે આ પ્રકારની કાનુની જોગવાઇને નજર અંદાજ કરી સ્ટેટ GST વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનો માલ તેના વાહન સાથે જપ્ત કરી લેવો એ ગેરવ્યાજબી અને તદ્દન મનમાનીભરી કાર્યવાહી હોઇ ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

તો બીજી બાજુ ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે અજાણતામાં થતી ભૂલમાં કોઇપણ પ્રકારની કરચોરી થતી નથી. ત્યારે અધિકારીઓની આ પ્રકારની કાયદા વિરૂદ્ધની કાર્યવાહી એ ઉદ્યોગકારોને ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ની અનુભુતિ કરાવી રહી છે. આથી ઉદ્યોગકારોની આ પ્રકારની થતી હેરાનગતિને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ચેમ્બર દ્વારા રાજ્યના નાણાં પ્રધાન તથા સ્ટેટ GST વિભાગના ચીફ કમિશ્નરને રજૂઆત કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published.