///

વિજય દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરને લઇ વડાપ્રધાન મોદી આજે બુધવારે દિલ્હીથી ‘વિજય જ્યોતિ યાત્રા’ રવાના કરશે. ચાર વિજય મશાલ એક વર્ષ સુધી સમગ્ર દેશના છાવણી વિસ્તારોમાં ભ્રમણ કરશે અને યાત્રા આગામી વર્ષે નવી દિલ્હીમાં પૂરી થશે. તે પહેલા વડાપ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ આજે બુધવારે વિજય દિવસના અવસર પર દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે દરમિયાન રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખ હાજર રહ્યાં હતાં.

રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે વડાપ્રધાન મોદી ચાર વિજય મશાલને રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત રહેતી જ્યોતિથી પ્રજ્વલિત કરશે અને ત્યારબાદ તેને રવાના કરશે. વિજય મશાલને 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવાશે. આ સાથે જ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામની સાથે સાથે 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક લઇ આવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.