////

રાજકોટ અગ્નિકાંડ : કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગથી વધુ એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 6

શહેરની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ કોરોના દર્દીના મોત નિપજ્યાં હતા. જ્યારે આજે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ, હવે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં કુલ 6 દર્દીના મોત થઇ ચુક્યા છે.

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં ઇજાગ્રસ્ત દર્દી કચ્છના ગાંધીધામ સેક્ટર 7માં રહેતા થાવરભાઇ મહેશ્વરીને ગોકુલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. આગની ઘટનામાં 5 લોકો બાદ વધુ એક દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના ICUમાં આગની ઘટના બની હતી. જેમાં સારવાર લઇ રહેલા 5 કોરોના દર્દીના મોત થયા હતા, જ્યારે કેટલાક દર્દીઓને બચાવી લેવાયા હતાં. આ ઘટના બાદ મેયરની નફ્ફાટાઇ પણ જોવા મળી હતી. રાજકોટમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા ભુંજાઇ ગયા છતા મેયરને આ ઘટના કુદરતી લાગી હતી. મેયર બિનાબેન આચાર્યએ કહ્યું હતું કે, “આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાની ટળી છે”. આ ઘટનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઇને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યુ હતું.

રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોરોના દર્દીઓના મોત થતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજકોટ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનામાં 5 કોવિડ-19 દર્દીઓના મોત આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાની તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પુરતૂ મર્યાદિત ન હોવુ જોઇએ. ગુજરાત સરકારે તેનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ.

ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કંહ્યુકે, સમય સમયે માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતા નથી અને વિદ્યુત લાઇનોનું નીરિક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે.

Leave a Reply

Your email address will not be published.