////

કલોલ બ્લાસ્ટ મામલો: વધુ એકનું મોત નિપજ્યું, પતિ-પત્નીએ એકસાથે અનંતની વાટ પકડી

ગાંધીનગરના કલોલમાં ત્રણ દિવસ પહેલા સવારે એક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બ્લાસ્ટમાં ગઇકાલે બીજુ મોત થયું છે. ઘટનાના દિવસે 27 વર્ષીય અમિત દવેનું મોત નિપજ્યું હતું. ત્યારે ગઇકાલે ગુરૂવારે તેમના પત્ની પિનલબેનનું મોત નિપજ્યું છે. કલોલમાં એકસાથે દંપતીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીન માહોલ સર્જાયો હતો.

મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત દવે પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો. અમિતના પિતા કેનેડા રહે છે. મંગળવારે સવારે બનેલી બ્લાસ્ટની ઘટનામાં ઘરમાં અમિતભાઈ, પિનલબેન અને તેમના દાદી હંસાબેન હતાં. બ્લાસ્ટમાં અમિત દવે ગંભીર રીતે ઘાયલ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ પિનલબેન અને હંસાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. બ્લાસ્ટ સમયે પિનલબેન રસોડામાં કામ કરતા હતાં, તેઓ તેમાં ગંભીર રીતે દાઝી ગયા હતાં.

મકાન બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આખો પરિવાર કેનેડાથી દોડી આવ્યો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારના માથા પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ જ્યાં પરિવાર પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યો હતો, ત્યાં ગઇકાલે ગુરૂવારે હોસ્પિટલમાંથી વહુ પિનલના મોતના સમાચાર આવ્યા હતાં. આમ, દવે પરિવારમાંથી એકસાથે 2 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી.

તો બીજી તરફ, ગામવાસીઓ પણ આ સમાચારથી ગમગીન બની ગયા હતાં. બ્લાસ્ટમાં દવે પરિવારે ભાડાનું મકાન પણ ગુમાવ્યું હતું. તેથી દીકરા અને વહુની અંતિમ યાત્રા માસી દક્ષાબેનના ઘરમાંથી કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.