////

બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની એન્ટ્રી, સરકારની ચિંતામાં વધારો

બ્રિટનના સ્વાસ્થ્ય પ્રધાન મેટ હેન્કોકે બુધવારે જણાવ્યું કે દક્ષિણ આફ્રીકામાં સામે આવેલા કોવિડ-19ના નવા સ્વરૂપના પણ બ્રિટનમાં બે કેસ મળી આવ્યા છે. બ્રિટનમાં કોરોના વાયરસનું જે રીતે નવું સ્વરૂપ મળી આવ્યું છે તે જ રીતે દક્ષિણ આફ્રીકામાં પણ વાયરસના અલગ પ્રકારની જાણકારી મળી છે. વિશેષજ્ઞોએ ચેતવ્યા છે કે વાયરસના આ નવા સ્વરૂપના કારણે દેશ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે.

હેન્કોકે પત્રકાર પરિષદમાં કહ્યું કે “નવા સ્વરૂપના બે કેસમાં લોકો છેલ્લા કેટલાક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકાથી મુસાફરી કરીને પાછા ફરેલા લોકોના સંપર્કમાં આવેલા હતાં.” તેઓએ કહ્યું કે “કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવવું એ ખુબ ચિંતાજનક છે. કારણ કે તે ખુબ જ ઝડપથી ચેપ ફેલાવે છે અને એવું લાગે છે કે બ્રિટનમાં મળી આવેલા નવા સ્વરૂપ ઉપરાંત પણ વાયરસમાં ફેરફાર થયો છે.”

પ્રધાને દક્ષિણ આફ્રીકા મુસાફરી કરવા પર તુરંત પ્રતિબંધ લગાવવા અંગે જાહેર કરતા કહ્યું કે છેલ્લા એક પખવાડિયામાં દક્ષિણ આફ્રીકાથી આવેલા લોકો કે તેમના સંપર્કમાં આવનારા લોકોએ તુરંત આઈસોલેશનમાં જવું જોઈએ. બ્રિટનના વૈજ્ઞાનિક દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડમાં એક પ્રયોગશાળામાં વાયરસના નવા સ્વરૂપની તપાસ કરી રહ્યાં છે. કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે બ્રિટનના અનેક લોકોએ પ્રતિબંધોનો સામનો કરવો પડશે. બ્રિટનમાં બુધવારે સંક્રમણના 36,804 કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદથી પહેલીવાર આટલા કેસ સામે આવ્યા છે.

સંક્રમણ ઝડપથી ફેલાવવાના કારણે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં ક્રિસમસ બાદ 26 ડિસેમ્બરથી શ્રેણી ચારનો પ્રતિબંધ લગાવવામાં આવશે. સંક્રમણથી બચાવ માટે સંશોધિત નિયમો હેઠળ શ્રેણી એકથી ત્રણ હેઠળ આવનારા વિસ્તારોમાં રહેતા લોકો ક્રિસમસ પર એક બીજાને મળી શકે છે. શ્રેણી ચારના વિસ્તારોમાં રહેતા લોકો ઘરના સભ્યો સાથે જ ક્રિસમસ ઉજવી શકશે.

Leave a Reply

Your email address will not be published.