રાજ્યમાં કોરોના કહરે વચ્ચે દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદના વેપારીઓ દ્વારા ઓનલાઈન ચોપડા પૂજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોરોના મહામારીના પગલે આ વખતે મંદિરોમાં ભક્તો માટે વર્ચ્યુઅલ ચોપડા પૂજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સોલા ભાગવત વિદ્યાપીઠ અને સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર દ્વારા આયોજિત ઓનલાઇન ચોપડા પૂજનનો હજારો ભક્તોએ લાભ લીધો.
દિવાળીના આ પર્વમાં સોલા ભાગવત વિદ્યાપીઠ અને મણીનગર સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા ચોપડા પૂજનનું આયોજન કરાયું છે. જોકે દર વર્ષ કરતા આ વર્ષે સ્થિતિ જરા અલગ હતી. દરવર્ષે આ બંને મંદિરમાં વેપારીઓ મોટી સંખ્યામાં મંદિરમાં પહોંચે છે અને સમૂહ ચોપડા પૂજનનો લાભ લે છે. ત્યારે આ ચોપડાના પૂજન પ્રસંગે સાધુએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસના કારણે આપણે સૌ કોઈએ ઓનલાઈન જ ચોપડાનું પૂજન કરવું હિતાવહ છે, મંદિરોમાંથી સંતો દ્વારા ઓનલાઈન પૂજનમાં જોડાવું જોઈએ.
નોંધનીય છે કે, આજના યુગ પ્રમાણે ચોપડાની સાથે લેપટોપનું પૂજન કરવામાં આવે તો પણ સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. ચોપડામાં હિસાબ લખવામાં આવે કે, લેપટોપમાં હિસાબ લખવામાં આવે તે બંનેનું સરખું ગૌરવ છે, મુખ્ય વાત એ છે કે, ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે.