///

ચાઈનાની વસ્તુઓનો વિરોધ કરનાર લોકો હવે દિવાળીમાં ખરીદી રહ્યાં છે ચીનના દીવા…

દિવાળી આવવાને હવે ગણ્યાગાઠ્યા દિવસ બાકી રહ્યાં છે. ત્યારે કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં તેને લઈને ધામધૂમથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો વડોદરાના લોકો કોરોનાની મહામારી તેમજ કમરતોડ મોંઘવારીને ભૂલીને દિવાળીની ઉજવણી કરવા સજ્જ થઇ રહ્યા છે. છેલ્લાં બે દિવસથી વડોદરાના બજારોમાં ખરીદીનું જાણે કે ઘોડાપૂર ઉમટી રહ્યું છે. જેમાં લોકો ચીન સાથે દેશના બગડેલા સબંધોને ભૂલીને ચાઇનાની સસ્તી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઘરને રોશનીથી ઝળહળા કરતા રંગબેરંગી લાઇટિંગ, કેન્ડલ, કોડિયા, ઇલેકટ્રોનિક્સ દીવડા, ઝુમ્મર સહિતની ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે.

વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચાઇનાની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો સૂર ઉઠ્યો હતો. પરંતુ, જેમ જેમ સમય પસાર થતાં લોકો પુનઃ ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદવા તરફ વળી રહ્યા છે. જેમાં ખાસ કરીને દિવાળી પર્વમાં બજારોમાં ચાઇનાની સસ્તી અને સારી વિવિધ ચીજવસ્તુઓ આવતા લોકો મન મૂકીને ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. જેમાં લોકો પોતાના ઘરને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ભારતીય બનાવટના ઝબુકીયા રૂપિયા 70 થી શરૂ થાય છે. તે સામે ચાઇનાના ઝબુકીયા રૂપિયા 30થી શરૂ થતાં હોય છે. પરિણામે ગ્રાહકોની પ્રથમ પસંદગી ચાઇનાની હોય છે. તે જ રીતે ચાઇનાના ઇલેકટ્રોનિક દીવડા, લેમ્પ સહિતની ચાઇનાની ચીજવસ્તુઓ સસ્તી હોવાથી લોકો ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

આ ઉપરાંત મંગળ બજાર, મુન્શીનો ખાંચો, રાજમહેલ રોડ જાણે કે ચાઇનાની લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. આ બજારોમાં દુકાનદારો તેમજ નાની-મોટી ઇલેકટ્રોનિક્સની દુકાનોમાં પણ ચાઇનાની લાઇટોની માંગ છે. રાજમહેલ રોડ ચાઇનાની લાઇટો, કેન્ડલોથી ઝળહળી ઉઠ્યો છે. દુકાનો, શો રૂમો, શોપિંગ મોલ પણ ચાઇનાની રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. ત્યારે ચાઇનાની ચીજવસ્તુઓનો વિરોધ કરીને દેશદાઝ દાખવનારા લોકો પણ હવે ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.