////

કોરોનાના વધતા કેસને લઇને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને જ મંજૂરી

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે કોરોનાના વધતા જતાં કેસોએ પંજાબથી લઈને મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે. પંજાબના 11 જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ, સ્કૂલ-કૉલેજો બંધ કર્યા બાદ હવે મહારાષ્ટ્રે પણ સખ્તી વધારી દીધી છે. કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં શુક્રવારે સરકારે 31 માર્ચ સુધી નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટે તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ થિયેટર કે ઑડિટોરિયમમાં જો નાકની નીચે માસ્ક હશે, તો એન્ટ્રી નહીં મળે. દરેક ઠેકાણે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ગેટ પર જ તાપમાન માપવાની વ્યવસ્થા કરવાની રહેશે.

તમામ ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ કામ પર બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે જરૂરી સેવાઓ અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલી સંસ્થામાં છૂટ રહેશે. જ્યારે સરકારી કચેરીઓના વડાને અધિકારી આપવામાં આવ્યો છે કે, તેઓ કર્મચારીઓની હાજરી અંગે યોગ્ય નિર્ણય લે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પૂરી ક્ષમતા સાથે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સખ્તીથી પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસને જોતા રાજ્ય સરકારે આ સપ્તાહથી નવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. ગઈ કાલે રાજ્યમાં 25,833 નવા કેસ સામે આવ્યા હતા. જે ગત વર્ષ માર્ચ બાદ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ સિવાય સરકારે જાહેર સ્થળો માટે પણ નવા નિયમો જાહેર કર્યાં છે. એવામાં જો તમે મહારાષ્ટ્ર જવાનું વિચારતા હોય, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો.

આ સિવાય મુસાફરી કરનારા લોકો માટે મુંબઈ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. જેની કિંમત 850 રૂપિયા હશે. મુસાફરો માટે RT-PCR ટેસ્ટિંગ સુવિધા 10 ડિપાર્ચર એરિયામાં ઉપલબ્ધ રહેશે. જ્યારે ઈન્ટરનેશનલ પેસેન્જર T-2 અરાઈવલ લાઉન્જ એરિયામાં RT-PCR ટેસ્ટ કરાવી શકે છે. આવનારા મુસાફરોનો રિપોર્ટ આવવામાં 24 થી 48 કલાક લાગશે. જ્યારે જઈ રહેલા મુસાફરોના રિપોર્ટ 8 થી 10 કલાકમાં આવી જશે. જે ઈ-મેઈલ થકી મોકલવામાં આવશે.

ઉપરાંત જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ આવે છે, તેઓ પોતાની મુસાફરી કરી શકશે. જ્યારે પોઝિટિવ પેસેન્જરોને મુંબઈમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. તમામ મુસાફરોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે અને કોન્ટેક્ટ સમાપ્ત થવાની જાણકારી વહીવટી અધિકારીઓને આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published.