///

મોઢા પર ઓક્સિજન-માસ્ક, હાથ બાંધેલા હતા અને નર્સિંગ કર્મી પૂરી રાત કરતો રહ્યો અશ્લીલ હરકત

રાજસ્થાનના જયપુરની શેલ્બી હોસ્પિટલમાં મોઢા પર માસ્ક-ઓક્સિજન, બંધાયેલા હાથ અને ICU પર પડેલી નિરાધાર મહિલાના શરીર સાથે તે પૂરી રાત અશ્લીલ ચેડાં કરતો રહ્યો. જયપુરની શેલ્બી હોસ્પિટલમાં એક નર્સિંગ કર્મીએ ઓપરેશન બાદ ICU પર પડેલી એક મહિલાના શરીરને ચુંથી નાંખી. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે તાકીદે ખુશીરામ નામના નર્સિંગ કર્મીને ધરપકડ કરી તપાસ આદરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના જયપુરની શેલ્બી હોસ્પિટલમાં સોમવારે રાતે ICUમાં એક નર્સિંગકર્મીએ વેન્ટિલેટરમાં દાખલ મહિલા દર્દી સાથે ઘૃણાસ્પદ હરકતો કરી હતી. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોઢા પર ઓક્સિજન-માસ્ક લગાવવામાં આવ્યું હતું. સાથે જ બંને હાથ પણ બાંધેલા હતા. વેન્ટિલેટર પર પડેલી મહિલાની મજબુરીનો લાભ ઉઠાવી ખુશીરામે નાખુશીનું કામ કરવા માંડ્યું. તે આખી રાત નિસ્તેજ મહિલાના દરેક અંગ પર હાથ ફેરવતો રહ્યો.

ત્યારે આનો વિરોધ ન કરી શકવાની સ્થિતિમાં મહિલાએ પોતાની રીતે તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો. તેની આંખોમાંથી આંસુ આવી ગયા પણ હેવાન બનેલા ખુશીરામનું દિલ ન પીગળ્યું. પીડિતા ICUમાં એકલી હતી. આ હરકતને કારણે તે પૂરી રાત રડતી રહી હતી. સવારે પીડિત મહિલાએ નર્સને વાત કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપીએ ઇશારામાં મહિલાને ધમકાવીને ચૂપ કરી દીધી હતી. જ્યારે સવારે તેનો પતિ આવ્યો તો પીડિતાએ તેને પણ ઇશારામાં સમજાવાની કોશીશ કરી જેથી ગંભીરતા સમજી પતિએ તેને કાગળ અને પેન આપી હતી. જેના પર મહિલાએ પૂરી વ્યથા લખી આપી. ત્યાર બાદ પીડિતાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના પતિએ રિપોર્ટમાં જણાવ્યું કે, સોમવારે તેની પત્નીની તબિયત ખરાબ થતાં તેને શેલ્બી હોસ્પિટલ લઈને ગયા હતા, જ્યાં ડોક્ટર્સે સાંજ સુધી તેનું એક ઓપરેશન કર્યું હતું. સોમવારે અંદાજે 8 વાગે મહિલાને ICUમાં શિફ્ટ કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે દર્દીના પતિ અને સગાઓને જણાવ્યું કે તમે સાથે નહીં રહી શકો. જરૂર પડશે તો બોલાવી લેવામાં આવશે. ત્યાર બાદ તેઓ સાંજે બાળકો સાથે ઘરે જતા રહ્યા હતા.

આરોપીનું નામ ખુશીરામ ગુર્જર છે. તે અહીં આગરા રોડ વિજયપુરા પાસે કૃષ્ણાધામમાં રહેતો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી પ્રદીપ મોહન શર્માએ કહ્યું, આ ઘટના ખુબ જ ગંભીર છે. પીડિતાના પતિએ સાંજે ચાર વાગે ચિત્રકૂટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે ડ્યૂટી ચાર્ટ અને CCTV કેમેરાના આધાર પર આરોપીની ઓળખ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી આગરા રોડ પર રહે છે. પોલીસ ટીમે લોકેશનના આધાર પર દરોડા પાડીને તેને પકડી લીધો છે. પોલીસ સ્ટેશન લાવ્યા પછી પૂછપરછ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ અધિકારી પન્નાલાલે જણાવ્યું છે કે, અત્યારસુધીની તપાસમાં જોવા મળ્યું છે કે ICUમાં બે અલગ અલગ રૂમ બનેલા છે. ફિમેલ નર્સ બીજા રૂમમાં દર્દીઓને જોઈ રહી હતી અને ખુશીરામ બીજા રૂમના દર્દીઓને જોતો હતો. આ દરમિયાન આરોપીએ અશ્લિલતા કરી હતી. આરોપીને પકડી લેવામાં આવ્યો છે. અન્ય તપાસ માટે સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ખુશીરામ ગુર્જર કરૌલીના નાદૌતીનો રહેવાસી છે.

તો શેલ્બી હોસ્પિટલના સીઈઓ અનુભવ સુખવાનીએ કહ્યું હતું કે, અમને દર્દી તરફથી ફરિયાદ મળી છે. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. અમારી પેનલથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ. પૂરતી તપાસ કર્યા પછી જ સમગ્ર ઘટનાની જાણ થશે, કારણ કે ICUમાં ફિમેલ નર્સ પણ હાજર હતી.

નોંધનીય છે કે, રાજસ્થાનમાં એક મહિનામાં મહિલા સાથે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ 2 માર્ચે અલવરમાં પતિ સામે ફરિયાદ નોંધાવવા ગયેલી મહિલા સાથે હાજર પીએસઆઇએ રેપ કર્યો. તો 15 માર્ચે કોટામાં 15 વર્ષની સગીર યુવતી પર 20 લોકોએ 9 દિવસ સુધી બળાત્કાર કર્યું હતું.

એક અન્ય પોલીસ અધિકારીએ દુષ્કર્મના કેસમાં તપાસને બહાને એક 30 વર્ષીય મહિલાને વારંવાર ઓફિસ બોલાવી હતી. પછી લાંચ માંગી અને પછી મહિલાની છેડતી કરવાની કોશીશ કરી હતી. પરંતુ રવિવારે આરપીએસ અધિકારી કૈલાસ બોહરાને એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ પકડી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.