////

અમરેલીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડમ પટ્ટી

આજે ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે અમરેલી શહેરમાં ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. નેતા વિપક્ષ પરેશ ધાનાણી બંધને સફળ બનાવવા માટે, તો દિલીપ સંઘાણી બજાર ખુલી રાખવા માટે લોકોને વિનંતી કરતા નજરે પડ્યા હતાં. આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી અને અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમાં જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતાં. કેટલાક દુકાનદારો પરેશ ધાનાણીની વાત માનીને દુકાનો બંધ પણ કરતા હતાં. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ કર્યો હતો.

આ વચ્ચે પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને છટકી જવામાં સફળ રહ્યાં હતાં. ત્યારબાદ અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડમ પટ્ટી જેવો માહોલ સર્જાયો હતો. જે અડધો કલાક સુધી ચાલ્યો હતો. પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ જેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. આખરે જીવરાજ મહેતા ચોકમાંથી પોલીસે પરેશ ધાનાણીની અને કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ નીકળી પડ્યા હતાં. તેઓ પોતાની સાયકલ લઈને શહેરની મુખ્ય બજારમાં નીકળ્યા હતા અને દુકાનદારોને ધંધા રોજગાર શરૂ રાખવા વિનંતી કરતા નજરે ચડ્યા હતાં. આ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની દોડાદોડી વચ્ચે અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

read also

Leave a Reply

Your email address will not be published.